Loading Please Wait !!!
સ્વ. મધુબેન શુક્લના અવસાન બાદ ચક્ષુદાન કરી બે વ્યક્તિઓને આપી રોશની

  • પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. ચીમનભાઈ શુક્લના ધર્મપત્નીએ જતી વેળાએ અંધકારમય જિંદગીમાં ઉજાસ પાથર્યો

    સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાતના જૂની પેઢીના પીઢ રાજકીય આગેવાન અને પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. ચીમનભાઈ શુક્લના ધર્મપત્ની સ્વ. મધુબેન શુક્લનું અવસાન થતા, શુક્લ પરિવારે અત્યંત શોકજનક સ્થિતિમાં પણ માનવતાનો ઉમદા ધર્મ બજાવ્યો છે. પરિવારે સ્વ. મધુબેનના ચક્ષુઓનું દાન કરી બે દ્રષ્ટિહીન વ્યક્તિઓના અંધકારમય જીવનમાં રોશની ફેલાવવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.
    પરિવારનો સંવેદનશીલ અભિગમ: સ્વ. મધુબેન શુક્લના અવસાન બાદ તેમના સુપુત્રો અને ભાજપ અગ્રણીઓ શ્રી કૌશિકભાઈ શુક્લ, શ્રી કશ્યપભાઈ શુક્લ, કોર્પોરેટર નેહલભાઈ શુક્લ અને સુપુત્રી કાશ્મીરાબેન નથવાણીની સહમતીથી ચક્ષુદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવારના મતે, માતાની વિદાયના દુખ વચ્ચે પણ જો કોઈને નવી દ્રષ્ટિ મળી શકે, તો તે જ માતાને સાચી શ્રદ્ધાંજલિ છે.
    વિવેકાનંદ યુથ ક્લબની સિદ્ધિ: વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ ચક્ષુદાન સંપન્ન થયું હતું. આ ઉમદા કાર્યમાં ડો. હેમલ કણસાગરાએ વિશેષ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા કરવામાં આવેલું આ ૨૦૩મું ચક્ષુદાન છે. સંસ્થાએ શુક્લ પરિવારની આ ઉદારતા અને સામાજિક જવાબદારી બદલ તેમનો આભાર માન્યો છે.