Loading Please Wait !!!
લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ કલેકટરે રીજેક્ટ કરી તેમાં ગુના નોંધવા કોર્ટનો હુકમ

  • રાજકોટનો પ્રથમ બનાવ : પ્લોટ પર કબજો કરી પિતા-પુત્રે 22 લાખની ખંડણી માંગી'તી

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટનો પ્રથમ બનાવ છે કે, લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ કલેકટરે કાઢી નાખી હતી તેમાં કોર્ટએ ગુનો નોંધવા હુકમ કર્યો હતો. ફરિયાદી પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ, જેઓ ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. 1 માં 229-16 ચો.મી.નો પ્લોટ દસ્તાવેજ સાથે ખરીદ્યો હતો. જ્યારે તેઓ પ્લોટ પર બાંધકામ કરવા ગયા, ત્યારે આરોપી ભૂપત ખાચર અને તેનો પુત્ર રવિ ખાચર ત્યાં ધસી આવ્યા હતા.
તેમણે ફરિયાદીને જાનથી મારી નાખવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી પ્લોટ ખાલી કરવાના બદલામાં રૂ. 22,00,000/- ની ખંડણી માંગી હતી. કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી. જોકે, નિવાસી અધિક કલેક્ટર સમક્ષ જ્યારે આ મામલો ગયો, ત્યારે આરોપીઓએ રજૂ કરેલા ખોટા હકીકતલક્ષી દાવાઓને ધ્યાને લઈ સમિતિએ અરજીને ડ્રોપ કરવાનો નિર્ણય લીધો હતો.
કલેક્ટર કચેરીમાંથી ન્યાય ન મળતા ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વધુમાં, આરોપીઓએ પીજીવીસીએલમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવવા માટે ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાનું પણ કોર્ટના ધ્યાને લાવવામાં આવ્યું હતું. સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજે ડોક્યુમેન્ટરી એવિડન્સ અને પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું કે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે. આથી, ગુજરાત જમીન પચાવી પાડવા પરબંધી અધિનિયમ-2020 મુજબ ગુનો રજીસ્ટર કરવા અને આરોપીઓની ધરપકડ કરવા મદદનીશ પોલીસ કમિશનર (પૂર્વ વિભાગ) ને હુકમ કર્યો હતો.