Loading Please Wait !!!
મધ્ય-પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા: ઇઝરાયલ-લેબનાન સીઝફાયરનો ફીયાસ્કો, હિઝબુલ્લાહના ડ્રોન હુમલામાં ઇઝરાયલી સૈનિકનું મોત

 

  • જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલનો પ્રચંડ પલટવાર- દક્ષિણ લેબનાનમાં હવાઈ હુમલામાં 14 ના મોત; નેતન્યાહુએ આપી જડબાતોડ જવાબની ચેતવણી

  • વેસ્ટર્ન ગલીલીમાં 3 ડ્રોન તોડી પાડ્યા- એક સૈનિક શહીદ અને 6 ઘાયલ થતા IDF આક્રમક; સરહદ પર લોખંડી બંદોબસ્ત

  •  આત્મરક્ષણના અધિકાર હેઠળ ઇઝરાયલનો વળતો હુમલો- દક્ષિણ લેબનાનમાં 14 લોકોના મોતથી સ્થિતિ વધુ સ્ફોટક; યુદ્ધના વાદળો ઘેરાયા

    તેલઅવીવ: ઇઝરાયલ અને લેબનાન વચ્ચે માંડ-માંડ સ્થપાયેલી શાંતિ ફરી એકવાર ડહોળાઈ છે. ગત ૧૬ એપ્રિલથી અમલી બનેલા નાજુક સીઝફાયરનો હિઝબુલ્લાહ દ્વારા ભંગ કરવામાં આવતા સરહદ પર ફરીથી તોપો ગાજતી થઈ છે. હિઝબુલ્લાહના એક ઘાતક ડ્રોન હુમલામાં ઇઝરાયલના ૧૯ વર્ષીય સૈનિકનું મોત નિપજ્યું હતું અને અન્ય છ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાના કલાકોમાં જ ઇઝરાયલી વાયુસેનાએ દક્ષિણ લેબનાન પર બોમ્બમારો શરૂ કરી ૧૪ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

    ઇઝરાયલી આર્મી (IDF) ના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહ દ્વારા વેસ્ટર્ન ગલીલી વિસ્તારને નિશાન બનાવી ત્રણ ડ્રોન છોડવામાં આવ્યા હતા. જોકે, ઇઝરાયલી ડિફેન્સ સિસ્ટમે આ ત્રણેય ડ્રોનને સરહદ ઓળંગે તે પહેલા જ હવામાં તોડી પાડ્યા હતા. પરંતુ અન્ય એક હુમલામાં દક્ષિણ લેબનાનમાં તૈનાત સૈનિકો ભોગ બન્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઇઝરાયલ પાસે આત્મરક્ષણ માટે હુમલો કરવાનો અધિકાર સુરક્ષિત છે અને હિઝબુલ્લાહના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

    સીઝફાયરને હજુ ગત ગુરુવારે જ ત્રણ અઠવાડિયા માટે વધારવામાં આવ્યું હતું, પરંતુ હિઝબુલ્લાહની આ ઉશ્કેરણીજનક કાર્યવાહીથી હવે સંપૂર્ણ યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વધી છે. IDF એ દક્ષિણ લેબનાનના સરહદી ગામોના રહેવાસીઓને તાત્કાલિક ઘર ખાલી કરવાના આદેશ આપ્યા છે, જે સૂચવે છે કે ઇઝરાયલ આવનારા કલાકોમાં વધુ મોટા હુમલા કરી શકે છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટીએ ફરી એકવાર મધ્ય-પૂર્વના દેશો અને વૈશ્વિક તેલ બજારમાં ચિંતા વધારી દીધી છે.