Loading Please Wait !!!
કાર્તિક આર્યનની ‘તુ મેરી ઝિંદગી હૈ’ ના રિલીઝ પર સંકટ: અનુરાગ બાસુએ કહ્યું- "હજુ અડધું શૂટિંગ પણ બાકી છે"

 

  • ફિલ્મ પૂર્ણ થઈ હોવાની વાતો માત્ર અફવા- શૂટિંગ ધીમું ચાલતા રિલીઝ ડેટ લંબાવાની પૂરેપૂરી શક્યતા

  • ડિરેક્ટર અનુરાગ બાસુનો મોટો ખુલાસો; વાયરલ તસવીરો બાદ ચાલેલી અફવાઓ પર વિરામ મૂક્યો

  •  શૂટિંગની ગોકળગાય ગતિથી રિલીઝ ડેટ પાછી ઠેલાશે; ફિલ્મ જગતમાં પ્રોજેક્ટના લેટ લતીફ હોવાની ચર્ચા

    બોલિવુડ સુપરસ્ટાર કાર્તિક આર્યન અને સાઉથ સેન્સેશન શ્રીલીલાની આગામી ફિલ્મ ‘તુ મેરી ઝિંદગી હૈ’ ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડી હતી કે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ ડિરેક્ટર અનુરાગ બાસુએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે કબૂલ્યું છે કે ફિલ્મ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને ઘણું શૂટિંગ બાકી હોવાથી તેની રિલીઝમાં વિલંબ થઈ શકે છે.

    અફવાઓ પર મૂક્યો વિરામ તાજેતરમાં ફિલ્મના સેટ પરથી કાર્તિક અને શ્રીલીલાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેના કારણે ચાહકોમાં એવી માન્યતા ઉભી થઈ હતી કે ફિલ્મ જલ્દી જ રિલીઝ થશે. જોકે, અનુરાગ બાસુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હોવાની વાત માત્ર અફવા છે. અત્યાર સુધીમાં ફક્ત ૪૫ દિવસનું જ શૂટિંગ થયું છે અને હજુ ઘણું કામ બાકી છે." અનુરાગ બાસુ પોતાની ફિલ્મોમાં બારીકાઈથી કામ કરવા માટે જાણીતા છે, જેને કારણે આ પ્રોજેક્ટમાં સમય લાગી રહ્યો છે.

    રિલીઝ ડેટ પાછી ઠેલાશે શૂટિંગની ધીમી ગતિને જોતા બોક્સ ઓફિસ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે ફિલ્મ જે સમયે રિલીઝ થવાની હતી તેના કરતા ઘણી પાછી ઠેલાઈ શકે છે. ‘તુ મેરી ઝિંદગી હૈ’ એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા હોવાનું મનાય છે, જેમાં કાર્તિક આર્યન ફરી એકવાર તેના ‘લવર બોય’ ઈમેજમાં જોવા મળશે. શ્રીલીલાની આ પહેલી મોટી બોલિવુડ ફિલ્મ હોવાથી તેના ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે તેમને થોડી વધુ પ્રતીક્ષા કરવી પડશે.

    અનુરાગ બાસુની પરફેક્શનિસ્ટ સ્ટાઈલ અનુરાગ બાસુ અગાઉ ‘લુડો’ અને ‘બર્ફી’ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. તેમની ફિલ્મોનું મેકિંગ સામાન્ય રીતે સમય માંગી લેતું હોય છે. ‘તુ મેરી ઝિંદગી હૈ’ માટે પણ તેઓ કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી. આ ફિલ્મ ૨૦૨૬ ના અંત સુધીમાં કે ૨૦૨૭ ના પ્રારંભમાં સિનેમાઘરોમાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.