Loading Please Wait !!!
ભારતમાં અમીરોનો ‘સુપર ફાસ્ટ’ ગ્રોથ: મિલિયોનેર્સના મામલામાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે, 250 કરોડથી વધુ સંપત્તિ ધરાવનારા અબજોપતિ વધ્યા

 

  • નાઈટ ફ્રેન્કનો વેલ્થ રિપોર્ટ: દેશમાં રોજ 89 નવા કરોડપતિ જન્મે છે; 2026 સુધીમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ લોકોની સંખ્યા 63% વધી

  •  ટેકનોલોજી અને મૂડીબજારનો કમાલ- 2031 સુધીમાં ભારતમાં અતિ અમીરોની સંખ્યા 25 હજારને પાર પહોંચવાનું અનુમાન

  • ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને કેપિટલ માર્કેટમાં તેજીની અસર- આગામી પાંચ વર્ષમાં હજુ 27% વધારાની આશા

    નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રમાં એક તરફ મોટો વર્ગ હજુ પણ પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ દેશમાં અતિ શ્રીમંતોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. નાઈટ ફ્રેન્કના લેટેસ્ટ 'વેલ્થ રિપોર્ટ' મુજબ, ૩૦ મિલિયન ડોલર (અંદાજે ₹૨૫૦ કરોડ) થી વધુની સંપત્તિ ધરાવનારા અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (UHNWI) ની સંખ્યામાં ભારતે વિશ્વના અનેક વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે. ભારત અત્યારે વિશ્વમાં સૌથી વધુ મિલિયોનેર્સ ધરાવતા દેશોમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે.

    રિપોર્ટના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન ભારતમાં અતિ અમીરોની સંખ્યા ૬૩% વધીને ૧૯,૮૭૭ સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ પાછળ મુખ્યત્વે ટેકનોલોજી સેક્ટરમાં થયેલું વેલ્થ ક્રિએશન, મજબૂત ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને મૂડીબજારમાં જોવા મળેલી તેજી જવાબદાર છે. આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં દરરોજ સરેરાશ ૮૯ નવા કરોડપતિઓનો જન્મ થઈ રહ્યો છે. ૨૦૩૧ સુધીમાં આ સંખ્યા વધીને ૨૫,૨૧૭ થવાની ધારણા છે.

    અબજોપતિઓની (Billionaires) યાદીમાં પણ ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને અડિખમ છે. અમેરિકામાં ૯૧૪ અને ચીનમાં ૪૮૫ અબજોપતિઓ છે, જેની સામે ભારતમાં ૨૦૭ અબજોપતિઓ નોંધાયા છે. આગામી સમયમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા ૫૧% વધીને ૩૧૩ સુધી પહોંચવાની સંભાવના છે, જે વૈશ્વિક ભાગીદારીમાં ૮% હિસ્સો ધરાવશે.

    વિશ્વના અન્ય દેશો સાથે સરખામણી કરીએ તો, અમેરિકા ૨,૨૫,૩૫૨ મિલિયોનેર્સ સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ચીન, જર્મની, બ્રિટન અને ફ્રાન્સનો નંબર આવે છે. ભારત હવે ૧૯,૮૭૭ મિલિયોનેર્સ સાથે ફ્રાન્સની એકદમ નજીક પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે, ભારતીય બજારમાં જે રીતે નવા સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધી રહ્યો છે, તે જોતા આગામી પાંચ વર્ષમાં અતિ શ્રીમંતોની સંખ્યામાં હજુ ૨૭% ના વધારાની આશા છે. આ રિપોર્ટ ભારતના આર્થિક વિકાસની ક્ષમતા અને સંપત્તિના કેન્દ્રીકરણ બંને તરફ ઈશારો કરે છે.