Loading Please Wait !!!
બંગાળમાં ‘મોદી મેજિક’ નો દબદબો: હુબલી નદીમાં પીએમ મોદીનો નૌકાવિહાર, હાવરા બ્રિજ પાસે સવારની સુંદર તસ્વીરો ખેંચી

 

  • ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમનો જનસંપર્ક- નદી કિનારે વોકિંગ કરવા આવતા લોકોએ ‘મોદી-મોદી’ ના નારા લગાવ્યા

  •  કોલકાતામાં પીએમનું ગ્રાઉન્ડ લેવલ રિલેશન- વહેલી સવારે હાવરા બ્રિજ પાસે સામાન્ય નાગરિકો સાથે કરી મુલાકાત

  •  ઝાલમુળી ખાતા વીડિયોએ મચાવી ધૂમ- હજારોની જનમેદની વચ્ચે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ ના નારાથી ગુંજ્યું કોલકાતા

    કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર હવે તેના આખરી અને સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે કોઈ પણ તક જતી કરી નથી. વડાપ્રધાને આજે વહેલી સવારે કોલકાતાની ઓળખ સમાન હુબલી નદીમાં નૌકાવિહાર કર્યો હતો. હાવરા બ્રિજની પૃષ્ઠભૂમિમાં પીએમ મોદીએ નદીની વચ્ચે નૌકાવિહાર કરીને સવારની આહલાદક ક્ષણો માણી હતી અને આ તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી હતી, જે ગણતરીની મિનિટોમાં જ વાયરલ થઈ ગઈ હતી.

    નૌકાવિહાર બાદ વડાપ્રધાન નદી કિનારે સવારના સમયે વોકિંગ કરવા આવતા સ્થાનિક લોકોને મળ્યા હતા. કોઈ પણ સુરક્ષાના વિશેષ પ્રોટોકોલની અડચણ વગર પીએમ મોદીને પોતાની વચ્ચે જોતા જ સેંકડો લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા. લોકોએ ‘મોદી-મોદી’ ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. વડાપ્રધાને પણ અત્યંત સરળતાથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને કેટલાક લોકો સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. આ જનસંપર્ક દ્વારા પીએમ મોદીએ બંગાળી જનતા સાથે ભાવનાત્મક જોડાણ કરવાનો પ્રયાસ કર્યો છે.

    આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીનો બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુળી’ ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર રેકોર્ડબ્રેક વાયરલ થયો છે. સામાન્ય નાગરિકની જેમ રસ્તા પર ઉભા રહીને સ્થાનિક વાનગીનો સ્વાદ માણતા વડાપ્રધાનનો આ અંદાજ લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ પ્રકારના હળવા અને લોકોની નજીક હોવાના દ્રશ્યો ચૂંટણીના અંતિમ તબક્કે મતદારોના મન પર ઉંડી અસર કરે છે, જેને ‘મોદી મેજિક’ તરીકે ઓળખવામાં આવે છે.

    પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે, ત્યારે પીએમ મોદીની આ મુલાકાતે ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. હાવરા બ્રિજ પાસેની સવારની તે સુંદર તસ્વીરો અને ઝાલમુળીનો સ્વાદ એ માત્ર પર્યટન નથી, પરંતુ એક સુનિયોજિત રાજકીય મેસેજિંગ પણ છે. હવે જોવાનું એ રહેશે કે બંગાળના આ સાંસ્કૃતિક અને લોકપ્રિય જોડાણની અસર આગામી ચૂંટણીના પરિણામોમાં કેવી રીતે જોવા મળે છે.