Loading Please Wait !!!
ચીનનો ‘માસ્ટરસ્ટ્રોક’: યુદ્ધ પહેલા જ બનાવ્યો દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર, 1.4 અબજ બેરલ તેલનો સંગ્રહ કરી આખા વિશ્વને ચોંકાવ્યું

 

  • IEA ના રિપોર્ટમાં મોટો ખુલાસો: 32 વિકસિત દેશોના કુલ ભંડાર કરતા પણ વધુ તેલ એકલું ચીન દબાવીને બેઠું છે; ભવિષ્યના સંકટ સામે અભેદ કવચ

  • હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ખોરવાશે તો પણ ચીનને વાંધો નહીં આવે- રશિયા અને ઇરાન પરના પ્રતિબંધોનો ઉઠાવ્યો ભરપૂર ફાયદો

  •  ઉર્જા સુરક્ષા માટે ચીની કંપનીઓને અપાયા હતા કડક આદેશ- 1.4 બિલિયન બેરલ તેલ સાથે ચીન બન્યું વૈશ્વિક તેલ બજારનું અઘોષિત રાજા

    નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તે પહેલા જ ચીને પોતાની ઉર્જા સુરક્ષાને લઈને એક મોટું અને દૂરંદેશીભર્યું ડગલું ભર્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીને દુનિયાનો સૌથી મોટો કાચા તેલનો ભંડાર તૈયાર કરી લીધો છે. ચીને ૨૦૨૫ ના અંત સુધીમાં આશરે ૧.૪ અબજ બેરલ તેલ જમા કરી લીધું છે, જે વિશ્વના ૩૨ વિકસિત દેશોના કુલ સંયુક્ત ભંડાર કરતા પણ ઘણો વધારે છે.

    ચીન દુનિયાનો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ભવિષ્યમાં મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધશે અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના તેલ માર્ગો બંધ થશે તેવી આશંકાને પગલે ચીને ૨૦૨૬ ની શરૂઆત સુધી સતત તેલની ખરીદી ચાલુ રાખી હતી. આ રિપોર્ટ મુજબ, ચીન પાસે અત્યારે એટલું તેલ છે કે જો આંતરરાષ્ટ્રીય સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ જાય તો પણ તેના ઉદ્યોગો અને અર્થતંત્રને લાંબા સમય સુધી કોઈ અસર થશે નહીં. આ બાબતને આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો ચીનનું એક અત્યંત રણનીતિક અને સમજદારીભર્યું પગલું ગણાવી રહ્યા છે.

    ચીન દ્વારા તેલનો આટલો મોટો સંગ્રહ કરવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે. પ્રથમ, જ્યારે વૈશ્વિક સ્તરે માંગ ઓછી હતી ત્યારે તેલના ભાવો નીચા હતા, જેનો ચીને ભરપૂર ફાયદો ઉઠાવી સસ્તું તેલ ખરીદ્યું. બીજું, રશિયા, ઇરાન અને વેનેઝુએલા જેવા દેશો પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે આ દેશોએ ચીનને સસ્તા દરે તેલ ઓફર કર્યું હતું. ત્રીજું, ચીન સરકારે પોતાની ઉર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપીને સરકારી અને ખાનગી તેલ કંપનીઓને અનામત જથ્થો (Buffer Stock) વધારવાનો આદેશ આપ્યો હતો.

    ઇરાન યુદ્ધની સ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલના પુરવઠાને ગંભીર અસર પહોંચવાની પૂરી શક્યતા છે. વિશ્વનું લગભગ ૨૦% (પાંચમો ભાગ) તેલ આ સાંકડી સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. જો યુદ્ધને કારણે આ માર્ગ બંધ થાય, તો ભારત અને યુરોપ જેવા દેશો માટે તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. જોકે, ચીને અગાઉથી કરેલા આ સંગ્રહને કારણે તે આ વૈશ્વિક તેલ કટોકટીમાં સૌથી સુરક્ષિત દેશ સાબિત થઈ શકે છે. ચીનનું આ મોટું તેલ ભંડારણ ભવિષ્યમાં તેને વૈશ્વિક બજારમાં તેલના ભાવોને પ્રભાવિત કરવાની શક્તિ પણ આપી શકે છે.