Loading Please Wait !!!
કોંગ્રેસ નેતા પવન ખેડાની મુશ્કેલીમાં વધારો: ગુવાહાટી હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવ્યા, ધરપકડની લટકતી તલવાર

 

  • મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની વિરુદ્ધ કરેલા આક્ષેપો નડ્યા; એડવોકેટ જનરલે જામીનનો કર્યો સખત વિરોધ

  •  અભિષેક મનુ સિંઘવીની દલીલો કામ ન આવી- આસામ સરકારે ખેડાના દેશ છોડી ભાગી જવાની વ્યક્ત કરી આશંકા

  •  રિંકી ભુઈયા શર્માની FIR મામલે હાઈકોર્ટનું કડક વલણ; રાજકીય દ્વેષભાવની દલીલ કોર્ટે ગ્રાહ્ય ન રાખી

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા પવન ખેડાને કાયદાકીય મોરચે મોટો ઝટકો લાગ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની રિંકી ભુઈયા શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) મામલે ગુવાહાટી હાઈકોર્ટે ખેડાની આગોતરા જામીન અરજી રદ કરી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ બાદ હવે પવન ખેડા પર ધરપકડની તલવાર લટકી રહી છે, જેને લઈને કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

    સમગ્ર વિવાદની વાત કરીએ તો, પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રીના પત્ની રિંકી ભુઈયા પાસે એકથી વધુ પાસપોર્ટ છે. આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રિંકી ભુઈયાએ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ખેડા વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ સમગ્ર કેસ રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે અને ખેડા તપાસમાં સહકાર આપવા તૈયાર છે, તેથી તેમને આગોતરા જામીન મળવા જોઈએ.

    જોકે, આસામ સરકાર વતી એડવોકેટ જનરલે જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે પવન ખેડાએ માત્ર માનહાનિ જ નથી કરી પરંતુ ખોટા દસ્તાવેજોના આધારે ગંભીર આક્ષેપો કરીને જાળસાજી અને છેતરપિંડી કરી છે. સરકારે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે જો આરોપીને જામીન આપવામાં આવશે તો તેઓ દેશ છોડીને ભાગી જવાની શક્યતા છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતાને જોતા જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

    નોંધનીય છે કે અગાઉ તેલંગાણા હાઈકોર્ટે પવન ખેડાને ટ્રાન્ઝિટ બેલ આપીને રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તે આદેશ પર રોક લગાવી દીધી હતી. હવે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા પણ જામીન અરજી ફગાવવામાં આવતા ખેડા માટે કાયદાકીય માર્ગ મુશ્કેલ બન્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે, પરંતુ હાલના તબક્કે આસામ પોલીસ ગમે ત્યારે પવન ખેડાની ધરપકડ કરી શકે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.