અજિત પવારના મોત પર મોટો ધડાકો: "બારામતીમાં કાળો જાદુ અને અઘોરી પૂજા કરાઈ હતી," અમોલ મિટકરીના આરોપથી મહારાષ્ટ્રમાં ખળભળાટ
-
ક્રેશ પહેલા બંગલા સામે બકરાને ઊંધો લટકાવી તાંત્રિક વિધિ કરાઈ હોવાનો દાવો; સુનેત્રા પવારે પણ વ્યક્ત કરી શંકા
-
વિદ્યા પ્રતિષ્ઠાન પાસે મધ્યરાત્રિએ ખૌફનાક વિધિ થઈ હતી- મિટકરીએ 'X' પર પોસ્ટ કરી સીબીઆઈ (CBI) તપાસની કરી માંગ
-
પેટાચૂંટણી પૂર્વે ભાવુક માહોલ- અમોલ મિટકરીએ સ્થાનિક લોકોના હવાલે વિમાન દુર્ઘટના સાથે જોડાયેલા રહસ્યો છતા કર્યા
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને તત્કાલીન ડેપ્યુટી સીએમ અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક મોત મામલે હવે એક અત્યંત ચોંકાવનારો અને વિવાદાસ્પદ દાવો સામે આવ્યો છે. NCP નેતા અને વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ સોશિયલ મીડિયા પર ગંભીર આરોપ લગાવ્યો છે કે અજિત પવાર વિરુદ્ધ બારામતીમાં ‘કાળો જાદુ’ અને ‘અઘોરી પૂજા’ કરવામાં આવી હતી. આ દાવાએ ૨૮ જાન્યુઆરીના રોજ થયેલા તે કરુણ અકસ્માત પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકાઓને ફરી જગાડી છે.
અમોલ મિટકરીએ શ્રેણીબદ્ધ પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે, જે બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા અજિત પવાર જવાના હતા, તે વિદ્યા પ્રતિષ્ઠાન એઆઈ બિલ્ડિંગના બાંધકામ સ્થળ નજીક મધ્યરાત્રિએ એક ભયાનક અઘોરી પૂજા કરવામાં આવી હતી. આટલું જ નહીં, સ્થાનિક લોકોના હવાલે તેમણે જણાવ્યું કે કાટેવાડીમાં અજિત પવારના બંગલા સામે એક બકરાને ઊંધો લટકાવીને તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. મિટકરીએ સવાલ ઉઠાવ્યો છે કે જે નેતા પોતે અંધશ્રદ્ધાના કટ્ટર વિરોધી હતા, તેમના પર આવી રીતે આયોજનપૂર્વક હુમલો કેવી રીતે કરવામાં આવ્યો?
આ દરમિયાન, બારામતી વિધાનસભાની આગામી પેટાચૂંટણીને લઈને યોજાયેલી એક રેલીમાં અજિત પવારના પત્ની સુનેત્રા પવાર પણ અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. તેમણે પણ પોતાના પતિના મોત અંગે શંકાની સોય તાકતા કહ્યું હતું કે, "દરેક વ્યક્તિને આ દુર્ઘટનાનો સાચો જવાબ મળવો જોઈએ. જો આમાં કોઈનો પણ દોષ જણાશે તો તેને સખતમાં સખત સજા મળવી જોઈએ." સુનેત્રા પવારના આ નિવેદન બાદ બારામતીના નાગરિકોમાં પણ રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે અજિત પવારના નિધન બાદ બારામતીની બેઠક ખાલી પડી છે, જ્યાંથી સુનેત્રા પવાર મેદાનમાં છે. આ ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી અને કોંગ્રેસે દિવંગત નેતાના સન્માનમાં પોતાના ઉમેદવારો પાછા ખેંચી લેતા ચૂંટણી એકતરફી બની છે, પરંતુ અમોલ મિટકરીના તાંત્રિક વિધિના દાવાઓએ આ મામલાને હવે રહસ્યમય બનાવી દીધો છે. હાલમાં આ કેસની તપાસ ચાલુ છે અને રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈ (CBI) તપાસ સોંપવા અંગેની માંગણીઓ પર વિચારણા કરવામાં આવી રહી છે.