Loading Please Wait !!!
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં વૈષ્ણવ પરિવાર દ્વારા ચુનરી મનોરથ

સિટી ન્યૂઝ@ઓકલેન્ડ

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં વસતા વૈષ્ણવ સમુદાય દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ભવ્ય ઝલક રજૂ કરતો કાર્યક્રમ યોજાયો હતો. વૈષ્ણવ પરિવાર ન્યૂઝીલેન્ડ ઇન્ક (VPNZ) દ્વારા ૩૦ મે ૨૦૨૬ ના રોજ પાવન ચુનરી મનોરથ ઉત્સવની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને યમુનામૈયાની કૃપા સાથે ચુનરી મનોરથનો દિવ્ય લહાવો માણ્યો હતો. આ વર્ષના ઉત્સવની વિશેષતા એ હતી કે ચુનરીઓ ખાસ કરીને ભારતમાંથી મંગાવવામાં આવી હતી, જેનાથી આ પ્રસંગ વધુ પાવન અને પરંપરાગત બન્યો હતો. VPNZ ના સેવાભાવી વોલન્ટિયર્સે ભારે જહેમત ઉઠાવીને પવિત્ર યમુના જળનું એક સુંદર કૃત્રિમ તળાવ (પૂલ) તૈયાર કર્યું હતું. આ તળાવમાંથી ચુનરીઓને પસાર કરવામાં આવી હતી, જે ચુનરી મનોરથની પરંપરાનું અત્યંત ભાવનાત્મક અને મુખ્ય અંગ છે.

ઉત્સવ દરમિયાન યમુનાજીના ભજનોની મધુર ધૂન ગુંજી ઉઠી હતી અને વૈષ્ણવ મહિલાઓએ આનંદભેર ગરબા કરીને ચુનરી મનોરથની ઉજવણીને વધુ રંગીન બનાવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિ, આનંદ અને પાવનતાથી છલકાઈ ઉઠ્યું હતું. ખાસ ગુજરાતથી ન્યૂઝીલેન્ડ ગયેલા પરિવાજનોએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાત સમંદર પાર જાણે ભારત અને વ્રજભૂમિમાં જ હોય તેવું આબેહૂબ વાતાવરણ ઊભું કરાયું હતું. આ પ્રસંગે વૈષ્ણવ પરિવાર NZ ના પ્રમુખે તમામ વૈષ્ણવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખાસ કરીને મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા માટે કિચન કમિટીનો, આકર્ષક સજાવટ માટે ડેકોરેશન કમિટીનો અને તમામ વ્યવસ્થાઓ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા બદલ યુવા વોલન્ટિયર્સનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આવા ઉત્સવો માત્ર પરંપરા જાળવતા નથી, પરંતુ વિદેશમાં વસતા સમુદાયને એકતા, ભક્તિ અને ભારતીય સંસ્કારો સાથે જોડી રાખે છે.