ઇઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી: 26 વર્ષમાં પહેલી વાર કિલ્લા પર કબજો
- હિઝબુલ્લાહના મજબૂત ગઢ ગણાતા બ્યૂફોર્ટ કેસ્ટલ પર ઇઝરાયેલનો પ્રચંડ સૈન્ય વિજય
- અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે હિઝબુલ્લાહ સામે આઇડીએફની કાળજું કંપાવી દેનારી કડક કાર્યવાહી
- ઝહરાની નદી અને આસપાસના તમામ સૈન્ય ઠેકાણાઓ તાત્કાલિક ખાલી કરવા કડક આદેશ
સિટી ન્યુઝ @ તેલ અવીવ
વૈશ્વિક મહાસત્તા અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક રાજદ્વારી વિવાદની વચ્ચે ઇઝરાયેલે લેબનોન પર પોતાના સૈન્ય હુમલા અત્યંત આક્રમક કરી દીધા છે. ઇઝરાયેલી સેનાએ હવે માત્ર હવાઈ હુમલા કરવાને બદલે લેબનોનની સરહદમાં ઘૂસીને તેના વ્યૂહાત્મક વિસ્તારો પર સીધો સશસ્ત્ર કબજો કરવાનું પણ શરૂ કરી દીધુ છે. આ આકરા સૈન્ય ઓપરેશન અંતર્ગત તાજેતરમાં જ ઇઝરાયેલી સૈન્યએ લેબનોનના એક અતિ મહત્વના પહાડી વિસ્તાર પર પ્રચંડ વિજય મેળવી લીધો છે, જ્યાં સદીઓ જૂનો ઐતિહાસિક અને અભેદ કિલ્લો આવેલો છે. 26 વર્ષના લાંબા ગાળામાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ઇઝરાયેલની સેના આટલી હદ સુધી અંદર ઘૂસી છે.
આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે ઓપરેશન વધુ ઝડપી બનાવતા ઇઝરાયેલે લેબનોનના પ્રખ્યાત બ્યૂફોર્ટ કેસ્ટલ (Beaufort Castle) પર સંપૂર્ણ સૈન્ય નિયંત્રણ જમાવી લીધું છે. આ ઊંચા પહાડ પર આવેલા કિલ્લાની અંદર ઇઝરાયેલી સૈનિકો અત્યાધુનિક હથિયારો સાથે પદ્ધતિસર રીતે આગળ વધી રહ્યા હોવાની લાઇવ તસવીરો આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ઇઝરાયેલી સૈનિકો હવે આ કિલ્લાને પોતાનું મુખ્ય સૈન્ય મથક બનાવીને લેબનોનના અન્ય વિસ્તારો તરફ ધીરે ધીરે પણ મક્કમતાથી આગળ વધી રહ્યા છે, જેને પગલે મધ્ય-પૂર્વના દેશોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.
આ ભયાનક સૈન્ય ઓપરેશન વચ્ચે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્થાનિક નાગરિકોને ચેતવણી આપતા કહ્યું છે કે, જે પણ સામાન્ય લોકો ઝહરાની નદીમાં કે તેની આસપાસના ભાગમાં વસવાટ કરતા હોય તેઓ આ વિસ્તારને તાત્કાલીક ધોરણે ખાલી કરી દે. ઇઝરાયેલી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે હિઝબુલ્લાહના જેટલા પણ ગુપ્ત સૈન્ય સ્થાનો કે હથિયાર ડેપો હોય, ત્યાંથી સામાન્ય નાગરિકો અત્યારે જ દૂર જતા રહે. અત્યાર સુધી ઇઝરાયેલ માત્ર પોતાની ભૌગોલિક હદમાં રહીને જ કાર્યવાહી કરતું હતું, પરંતુ હવે સીધા લેબનોનની ધરતી પર ગ્રાઉન્ડ એટેક શરૂ કરાયા છે.
ઇઝરાયેલ આર્મીના કડક વલણથી આતંકી સંગઠનોમાં ભારે ફફડાટ
ઇઝરાયેલના સત્તાવાર સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહ સામેના આ મોટા ગ્રાઉન્ડ ઓપરેશનમાં સૈનિકો રોજ નવા વિસ્તારો પર કબજો મેળવી રહ્યા છે. બ્યૂફોર્ટ કિલ્લા પર કબજો થવાથી ઇઝરાયેલી સેનાને સમગ્ર દક્ષિણ લેબનોનની પહાડીઓ પર નજર રાખવામાં મોટી વ્યૂહાત્મક સફળતા મળી છે. આ યુદ્ધને કારણે સરહદી વિસ્તારોમાંથી હજારો લેબનોની પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળો તરફ પલાયન કરી રહ્યા છે.