Loading Please Wait !!!
ચીને રણમાં ગોઠવ્યું પરમાણુ ચક્રવ્યૂહ: અમેરિકાની સરકારે ગુમાવી ઊંઘ

  • સેટેલાઇટ તસવીરોથી ડ્રેગનની ગુપ્ત યોજના ખુલ્લી પડી, શિનજિયાંગમાં સૈન્ય બેઝનું નિર્માણ
  • હામી સાઇલો ફિલ્ડ પાસે 80 થી વધુ નવા લોન્ચ પેડ્સ અને બંકરોનું નેટવર્ક બિછાવ્યું
  • હૂઓયાન-1 સેટેલાઇટ્સની મદદથી માત્ર 90 સેકન્ડમાં દુશ્મનની મિસાઇલ ડિટેક્ટ થશે

સિટી ન્યુઝ @ બેઇજિંગ

ચીનની ખાલી અને સુમસામ વિસ્તારોમાં સૈન્ય બાંધકામ કરવાની જૂની આદતના ભાગરૂપે આ વખતે બેઇજિંગ સીધું અમેરિકાને ઘેરવાની મોટી વહૂહરચના બનાવી રહ્યું છે. તાજેતરમાં સેટેલાઇટ દ્વારા મળેલી રણ વિસ્તારની કેટલીક અત્યંત ગુપ્ત તસવીરોએ અમેરિકાના સંરક્ષણ વિભાગના હોશ ઉડાવી દીધા છે. આ લોકેશન પર ચીન એવો 3-લેયરનો અત્યાધુનિક ન્યૂક્લિયર ચક્રવ્યૂહ તૈયાર કરી રહ્યું છે, જેને ભેદવો પશ્ચિમી દેશો માટે ખૂબ જ મુશ્કેલ બની જશે. સેટેલાઇટ તસવીરો અનુસાર, ચીનના ઉત્તર-પશ્ચિમી રણમાં આવેલા હામી ન્યૂક્લિયર સાઇલો ફિલ્ડ પાસે ખૂબ જ મોટા પાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બંકરોનું આખું નેટવર્ક બિછાવી દેવામાં આવ્યું છે.

આ ગુપ્ત સૈન્ય મથકે ચીને પોતાની સૌથી લાંબા અંતરની મિસાઇલો વાળા સાઇલો પાસે 80 થી વધુ નવા કોંક્રિટ લોન્ચ પેડ્સ તૈયાર કર્યા છે, જેનો ઉપયોગ ચીનના મોબાઇલ મિસાઇલ લોન્ચર્સના કાફલા અને એર-ડિફેન્સ મિસાઇલ બેટરીઓ માટે સરળતાથી થઈ શકે છે. ડિફેન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ચીન આ બધું અમેરિકાના ફર્સ્ટ સ્ટ્રાઈક એટલે કે પ્રથમ પરમાણુ હુમલાને સંપૂર્ણપણે બેઅસર કરવા માટે કરી રહ્યું છે. પોતાની સેકન્ડ-સ્ટ્રાઈક કેપેબિલિટીને મજબૂત કરવા માટે ચીન પોતાના અંડરગ્રાઉન્ડ સાઇલોને બચાવવા માટે મિસાઇલ ડિફેન્સ અને મોબાઇલ લોન્ચર્સનું અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરી રહ્યું છે જે રશિયા કે અમેરિકા કરતા બિલકુલ અલગ પદ્ધતિ છે.

આ સાથે જ ચીને હૂઓયાન-1 સેટેલાઇટ્સની મદદથી પોતાનું અર્લી-વોર્નિંગ સિસ્ટમ પણ મજબૂત કર્યું છે, જે દુશ્મનની મિસાઇલ લોન્ચ થતાંની સાથે જ માત્ર 90 સેકન્ડમાં તેને ડિટેક્ટ કરી લે છે અને 3 થી 4 મિનિટમાં કમાન્ડ સેન્ટરને એલર્ટ મોકલી દે છે. જો કે ચીન હંમેશા પોતાની 'નો ફર્સ્ટ યુઝ' પોલિસીના સોગંદ ખાતું આવ્યું છે, પરંતુ પશ્ચિમી દેશોનું માનવું છે કે જો ભવિષ્યમાં તાઇવાન સાથે યુદ્ધ થાય, તો તેમાં અમેરિકા કે અન્ય બહારની શક્તિઓની દખલગીરી રોકવા માટે ચીન આ પરમાણુ ચક્રવ્યૂહનો ઉપયોગ દબાણ બનાવવા માટે કરી શકે છે. પેન્ટાગોનનો રિપોર્ટ પણ ઇશારો કરે છે કે ચીન વર્ષ 2030 સુધીમાં 1,000 થી વધુ પરમાણુ વોરહેડ તૈયાર કરી લેશે.

રણમાં ત્રણ અષ્ટકોણ સૈન્ય બેઝ નેટવર્ક તૈયાર

પૂર્વી શિનજિયાંગના રણ વિસ્તારમાં ત્રણ ઓક્ટાગોન એટલે કે અષ્ટકોણ આકારના વિશાળ મિલિટરી બેઝ મળી આવ્યા છે. આ ચક્રવ્યૂહના બિલકુલ કેન્દ્રમાં મુખ્ય કમાન્ડ બિલ્ડિંગ છે, બીજા લેયરમાં સૈનિકોના રહેવા માટે રહેણાંક વિસ્તારો છે અને ત્રીજા લેયરમાં ભારે મિલિટરી વાહનો તેમજ ઘાતક ટ્રક-માઉન્ટેડ મિસાઇલ લોન્ચર્સને છુપાવવા માટે સુરક્ષિત હથિયાર ડેપો, હવાઈ પટ્ટીઓ અને રેલવે લાઈનો બનાવવામાં આવી છે.