રાજકોટમાં સ્વ.મધુબેન શુક્લના સ્મરણાર્થે દંત સેવા કેમ્પ યોજાયો
=> » અરવિંદ મણિયાર ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના ઉપક્રમે 72 દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં સ્વ. મધુબેન ચીમનભાઈ શુક્લના સ્મરણાર્થે અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક દંત સેવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીગ્રામ વિસ્તારમાં યોજાયેલા આ સેવા કેમ્પમાં ૭૨ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.
આ દંત ચિકિત્સા કેમ્પમાં જાણીતા દંતશાસ્ત્રી ભરત વ્યાસ તેમજ ડૉ. રુચિતા માલી (BDS) એ વિશેષ સેવાઓ આપી હતી. નિષ્ણાતોએ ૭૨ દર્દીઓના દાંતની ઝીણવટભરી ચકાસણી કરી હતી. જે દર્દીઓના દાંત સડેલા કે હલતા હતા, તેમના દાંત યોગ્ય પદ્ધતિથી કાઢી આપવામાં આવ્યા હતા. દાંત કાઢ્યા બાદ દર્દીઓને શક્તિ મળી રહે તે માટે આયોજકો તરફથી પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને દાંતની જાળવણી માટેનું માર્ગદર્શન અને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી.
આ સેવા કેમ્પમાં શુક્લ પરિવારના કૌશિક શુક્લ અને પ્રદેશ ભાજપ અગ્રણી કશ્યપ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભા વધારવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરિયા, ડેપ્યુટી મેયર દર્શા વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ, મહામંત્રી લલિત વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, ખ્યાતિ ગોહેલ, અંજના મોરજરીયા, લલિત વડેરીયા (કાનુભાભા), કિરીટ ગોહેલ અને પ્રદેશ યુવા અગ્રણી ખુરસિદ સુમાએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી.
કેમ્પને સફળ બનાવવા માટે અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના કલ્પક મણિયાર, દીપક કારિયા, ધોળકિયા, જાનવી લાખાણી, પ્રભાત ડાંગર અને ગુણવંત ભટ્ટ ખંતપૂર્વક જહેમત ઉઠાવી રહ્યા હતા. જ્યારે સ્થળ પર દર્દીઓની નોંધણી અને સમગ્ર વ્યવસ્થા નિધિ સ્કૂલના યશપાલસિંહ ચુડાસમા તેમજ હર્ષદ રાઠોડ દ્વારા સંભાળવામાં આવી હતી.