Loading Please Wait !!!
અમેરિકાની પ્રચંડ આર્થિક સ્ટ્રાઈક: ઇરાનના 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત

  • 'ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી' હેઠળ તેહરાનને સૌથી મોટો ઝટકો, ડિજિટલ વોલેટ્સ પર વૉશિંગ્ટનનો કબજો
  • ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનો મોટો ખુલાસો, સૈન્યને પગાર ચૂકવવાના પણ ફાંફા
  • મધ્ય-પૂર્વ સંકટ વચ્ચે અમેરિકાએ ઇરાનની દર મહિને થતી કરોડો ડૉલરની કમાણી ઠપ કરી

સિટી ન્યુઝ @ વૉશિંગ્ટન

વૈશ્વિક સ્તરે શાંતિની વાતો વચ્ચે અમેરિકાએ ઇરાન વિરૂદ્ધ આર્થિક દબાણ અભિયાનને અભૂતપૂર્વ સ્તરે તેજ કરી દીધું છે. વૉશિંગ્ટને તેહરાનને મોટો આર્થિક ફટકો આપતાં ઇરાન સાથે જોડાયેલા આશરે 1 અબજ ડૉલર એટલે કે ભારતીય ચલણમાં 8000 કરોડ રૂપિયાથી વધુના ક્રિપ્ટોકરન્સી ફંડ જપ્ત કરી લીધા હોવાનો સત્તાવાર દાવો કર્યો છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, આ આકરી કાર્યવાહી અમેરિકાના ખાસ 'ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી' અભિયાન હેઠળ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ઇરાનની આંતરરાષ્ટ્રીય નાણાકીય શક્તિને સંપૂર્ણપણે તોડી પાડવાનો છે.

ફોક્સ બિઝનેસના એક કાર્યક્રમમાં ખુલાસો કરતા ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે અમેરિકાએ ઇરાનના ડિજિટલ વોલેટ્સ પર સીધો કબજો મેળવીને ફંડ ફ્રીઝ કરી દીધા છે. માર્ચ 2025 માં શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત ઇરાનના બેંક ખાતાઓ, વિદેશી સંપત્તિઓ અને આખા ફાઇનાન્સિયલ નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. અમેરિકા પોતાના યુરોપીયન સાથી દેશો સાથે મળીને ઇરાન સાથે જોડાયેલા આલીશાન બંગલા, વિલા અને અન્ય મિલકતોને પણ જપ્ત કરી રહ્યું છે, જેના કારણે ઇરાનનું નેતૃત્વ વિવિધ માધ્યમો દ્વારા દર મહિને મેળવતું 40 થી 50 કરોડ ડૉલરનું ફંડ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.

તાજેતરના અઠવાડિયામાં કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને આર્થિક પ્રતિબંધોએ ઇરાનને ગંભીર નાણાકીય કટોકટીમાં ધકેલી દીધું છે. ઇરાનની આર્થિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સૈન્ય અને સુરક્ષા કર્મચારીઓને સમયસર પગાર પણ મળી રહ્યો નથી, જ્યારે દેશમાં મોંઘવારી આસમાને પહોંચતા સરકારને ફૂડ વાઉચર જેવી યોજનાઓ શરૂ કરવી પડી છે. આ દબાણ વચ્ચે પર્શિયન ગલ્ફના ખાડી દેશોએ પણ ઇરાનની દાદાગીરીથી કંટાળીને અમેરિકા સાથે તેલ અને બેંકિંગ નેટવર્કની ગુપ્ત માહિતી શેર કરવાનું શરૂ કર્યું છે, જેથી ઇરાન હવે નમતું જોખીને વાતચીતના ટેબલ પર આવવા મજબૂર બન્યું છે.

ઇરાનના થર્ડ લેયરના નેતાઓ સાથે અમેરિકાની વાતચીત

અમેરિકી સૈન્ય અને આર્થિક કાર્યવાહી બાદ ઇરાનનું ટોચનું નેતૃત્વ હટી ચૂક્યું છે અને અમેરિકા હવે ત્યાંના ત્રીજા સ્તરના નેતાઓ સાથે વાટાઘાટો ચલાવી રહ્યું છે. હાલમાં ઇરાનની સત્તા ધાર્મિક નેતૃત્વ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એમ બે મુખ્ય જૂથોમાં વહેંચાયેલી છે. વૉશિંગ્ટનનું માનવું છે કે કોઈપણ કાયમી કરાર કે સમજૂતી માટે આ બંને પક્ષોને એકસાથે લાવવા અનિવાર્ય છે.