ગોંડલમાં સામાજિક વૈમનસ્ય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર સામે ગુનો
સિટી ન્યૂઝ@ગોંડલ
ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે બે જૂથો વચ્ચે વીડિયો વોર શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતો એક ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ થયા બાદ પોલીસે એક શખ્સ વિરૂદ્ધ વિધિવત ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા મદનસિંહ જેઠુસિંહ ચૌહાણેએ મોહન પાર્ક ખાતે રહેતા પિયુષભાઈ લાલજીભાઈ રાદડિયા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૧/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧૩:૧૫ કલાકે માહિતી પ્રાપ્ત થઈ હતી. પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી, તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર atthistimegondal નામની આઈડી પરથી એક વીડિયો વાયરલ થયેલો જોવા મળ્યો હતો. અંદાજિત ૧ મિનિટ અને ૩૦ સેકન્ડના આ વીડિયોમાં પિયુષ રાદડિયા ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.આ વીડિયોમાં આરોપીએ નિવેદન આપ્યું હતું કે, નીલેશ રૈયાણી મર્ડર કેસમાં જયરાજસિંહના જામીન રદ કરાવવા માટે તે અને જગદીશભાઈ સાટોડીયા સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરવાના છે. વધુમાં, અશોકભાઈ પીપળીયા પર આક્ષેપ કરતા તેણે જણાવ્યું હતું કે દેવ સાટોડીયા નામના વ્યક્તિને જ્યારે માર માર્યો ત્યારે કાળી રાતે તેના પિતાને દબાવી, ધમકાવીને ફરિયાદ પાછી ખેંચાવવામાં આવી હતી. આરોપીએ વીડિયોમાં જાહેર પ્લેટફોર્મ પર ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, પટેલના દીકરાઓને કોઈને મારવાનું ધમકાવવાનું બંધ કરી દયો નહીંતર હવે સહન નહીં કરી, હું ખુલ્લો સમર્થનમાં આવીશ આ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનથી ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી શક્યતા હોવાથી પોલીસે ગુનો નોંધી પીઆઈ ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.