Loading Please Wait !!!
અમેરિકામાં ભયાનક માર્ગ અકસ્માત: 5 લોકો કાળનો કોળિયો બન્યા

  • હાઇવે I-95 પર બેકાબૂ બસનો પ્રચંડ અકસ્માત, 34 લોકો લોહીલુહાણ થતાં હોસ્પિટલ ખસેડાયા
  • વર્ક ઝોન પાસે વાહનો ધીમા પડતાં પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે કુરચો બોલાવ્યો
  • સ્ટેફોર્ડ કાઉન્ટીમાં કારોનો કચ્ચરઘાણ વાળનાર બસ ડ્રાઇવર સામે ગુનાહિત બેદરકારીનો કેસ

સિટી ન્યુઝ @ વર્જિનિયા

વર્જિનિયા:અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો રોડ અકસ્માત સર્જાયો છે. અહીં ઇન્ટરસ્ટેટ-95 (I-95) હાઇવે પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે ધીમી પડેલી ગાડીઓને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ કરુણ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 34 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક રાજ્ય પોલીસ દ્વારા શુક્રવારે આ અંગેની સત્તાવાર માહિતી આપીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ અકસ્માત શુક્રવારે સવારે સ્ટેફોર્ડ કાઉન્ટીમાં સાઉથબાઉન્ડ I-95 હાઇવે પર થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હાઇવે પર આગળ રોડ સમારકામનું કામ ચાલતું હોવાના લીધે વાહનોની સ્પીડ નિયમ મુજબ ધીમી પડી ગઈ હતી. આ દરમિયાન પાછળથી અતિશય પૂરપાટ ઝડપે આવી રહેલી એક બસનો ડ્રાઇવર આગળનો ટ્રાફિક જોઈને સમયસર બ્રેક મારી શક્યો ન હતો. જેને કારણે બેકાબૂ બસે આગળ જઈ રહેલી એક પછી એક એમ કુલ 6 ગાડીઓને પાછળથી અડફેટે લીધી હતી, જેથી તમામ કારોનો કુરચો બોલી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ 5 કમનસીબ લોકો બસની અડફેટે આવેલી ગાડીઓમાં સવાર હતા. અકસ્માત બાદ પણ બસ ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હોવાથી પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે અને તેની સામે ગુનાહિત બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ગંભીરતાને જોતા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ની વિશેષ ટીમ ઘટનાસ્થળે તપાસ માટે રવાના કરાઈ છે.

મેરી વોશિંગ્ટન હોસ્પિટલમાં ઘાયલોની સારવાર

અકસ્માત બાદ મેરી વોશિંગ્ટન હેલ્થકેર હોસ્પિટલમાં 19 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 7 લોકોને ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા છે. હાલમાં 3 લોકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે સામાન્ય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે. દુર્ઘટના બાદ બંધ કરાયેલી હાઇવેની લેન બપોરે ફરી ખોલી દેવામાં આવી હતી.