Loading Please Wait !!!
બહેન મમતાનું બીજું નામ. જ્યારે સંજોગો બહેનને મા બનાવી દે છે..

ડૉ. વનિતા રાઠોડ
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક

નેપાળમાંથી સામે આવેલો એક વીડિયો હજારો લોકોની આંખો ભીની કરી જાય એવો છે. આ વીડિયો છે નવમા ધોરણમાં અભ્યાસ કરતી અસ્મિતા તામાંગનો. અસ્મિતાની માતાનું અવસાન થઈ ચૂક્યું છે. પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામે જાય છે. ઘરમાં દોઢ વર્ષનો નાનકડો ભાઈ છે. તેને સાચવવાનું કોણ? આ પ્રશ્નનો જવાબ ખુદ અસ્મિતા બની છે. તે પોતાના નાનકડા ભાઈને ખોળામાં લઈને શાળાએ જાય છે, તેને સંભાળે છે અને સાથે પોતાનો અભ્યાસ પણ કરે છે.

વીડિયોમાં જ્યારે શિક્ષકે તેની પરિસ્થિતિ વિશે પૂછ્યું, ત્યારે અસ્મિતાની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. એ આંસુઓમાં માતાના વિયોગનું દુખ હતું, નાની ઉંમરે આવી પડેલી જવાબદારીઓનો ભાર હતો અને પોતાના ભાઈ પ્રત્યેના અપાર પ્રેમની લાગણી હતી. જે ઉંમરે બાળકો રમતાં-કૂદતાં અને પોતાના સપનાઓ ગૂંથતાં હોય છે, એ ઉંમરે અસ્મિતા પોતાના ભાઈ માટે માતાની ભૂમિકા નિભાવી રહી છે. તે માત્ર બહેન નથી રહી, પરંતુ પોતાના ભાઈ માટે મમતા, હૂંફ અને સુરક્ષાનું છત્ર બની ગઈ છે.

કહેવાય છે કે "માતા પછી જો કોઈ નિસ્વાર્થ પ્રેમ કરે, તો તે બહેન છે." અસ્મિતાએ આ વાતને સાચી સાબિત કરી છે. માતા ન હોય ત્યારે ઘણી વખત મોટી બહેન જ પોતાના નાના ભાઈ-બહેનો માટે માતા બની જાય છે. તે તેમને સાચવે છે, તેમના આંસુ લૂછે છે, તેમની ચિંતા કરે છે અને દરેક સંજોગોમાં તેમની સાથે ઊભી રહે છે. અસ્મિતાની કહાની આપણને શીખવે છે કે પ્રેમ અને જવાબદારીની કોઈ ઉંમર હોતી નથી. નાની ઉંમરની આ દીકરીએ જે હિંમત, ત્યાગ અને કર્તવ્યનિષ્ઠા દર્શાવી છે, તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.

સાથે જ, બહેન ભગવાનનો સૌથી સુંદર આશીર્વાદ છે. બહેન માત્ર એક સંબંધ નથી, પરંતુ મમતાનો સાગર, ત્યાગી મૂર્તિ અને પ્રેમનું જીવંત સ્વરૂપ છે. અસ્મિતાના આંસુઓ માત્ર તેની વ્યથા નથી કહેતા, પરંતુ દુનિયાની એવી અસંખ્ય બહેનોની કહાની કહે છે, જેઓ પોતાના પરિવાર માટે પોતાના બાળપણનો પણ ત્યાગ કરી દે છે.આવી દીકરીઓને હૃદયપૂર્વક વંદન. તેમનો સંઘર્ષ, તેમનો પ્રેમ અને તેમનું સમર્પણ માનવતાનું સૌથી સુંદર સ્વરૂપ છે.