રશિયાના ઉર્જા મથકો પર યુક્રેનનો 300 ડ્રોનથી ભીષણ હુમલો
- ઓઇલ રિફાઇનરી અને ઇંધણ ભંડાર કેન્દ્રો ધણધણ્યા, રશિયાના દાવાને યુક્રેને ફગાવ્યો
- ક્રેમલિન હસ્તકના પરમાણુ પ્લાન્ટ પર હુમલાની આશંકા વચ્ચે યુદ્ધ વધુ આક્રમક બન્યું
- સમગ્ર રાત દરમિયાન 299 ડ્રોનથી હુમલો કરાયાનો રશિયન એરફોર્સનો સત્તાવાર દાવો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે વધુ આક્રમક અને વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. શનિવાર અને રવિવારની આખી રાત દરમિયાન યુક્રેને રશિયાની સરહદમાં ઘૂસીને તેના મુખ્ય ઉર્જા સ્થળો તેમજ તેલના ભંડારોને નિશાન બનાવીને એકસાથે 300 જેટલા આત્મઘાતી ડ્રોનથી પ્રચંડ હુમલો કર્યો છે. આ ભીષણ લશ્કરી કાર્યવાહીની પુષ્ટિ રશિયન લશ્કરી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ, ક્રેમલિનના પ્રત્યક્ષ કબજા હેઠળના એક અતિ મહત્વના પરમાણુ પ્લાન્ટ (સંયંત્ર) પર પણ યુક્રેનિયન ડ્રોને મોટો હુમલો કર્યો હોવાના રશિયાના સત્તાવાર દાવાને યુક્રેન સરકારે સખત શબ્દોમાં ફગાવી દીધો છે.
રશિયાના એરફોર્સના સત્તાવાર રિપોર્ટ અનુસાર, રશિયન સૈન્યની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે સમગ્ર રાત દરમિયાન આકાશમાંથી આવી રહેલા 299 ડ્રોનમાંથી 212 ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. જોકે, આ પ્રચંડ હુમલા દરમિયાન 14 ડ્રોન પોતાની નિર્ધારિત ન્યુક્લિયર અને ઓઇલ સપ્લાય લાઇનના લક્ષ્યાંકો સુધી સીધા પહોંચવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાકીના ડ્રોનનો સળગતો કાટમાળ રશિયાની પાંચ અલગ-અલગ જગ્યાઓ પર પડ્યો હતો. આ હુમલાને કારણે યુક્રેનના નિપ્રો શહેર અને રિવ્ને ક્ષેત્રમાં સ્થિત એક વિશાળ ઓઇલ રિફાઇનરી પર પણ રશિયન મિસાઇલો ત્રાટકતા ત્યાં આકાશને આંબતી ભયાનક આગ ફાટી નીકળી હતી.
આ ગંભીર આપત્તિ અંગે રિવ્ને ક્ષેત્રીય વહીવટી તંત્રના પ્રમુખ ઓલેક્સેન્ડર કોવલે જણાવ્યું હતું કે રિફાઇનરીમાં લાગેલી આ પ્રચંડ આગમાં સદનસીબે હજુ સુધી કોઈ નાગરિકને જાનહાનિ કે ઈજા થઈ નથી. બીજી તરફ, ગવર્નર યુરી સ્લ્યુસરે જણાવ્યું હતું કે યુક્રેનના ડ્રોનનો કાટમાળ પડવાથી રશિયાના દક્ષિણ પશ્ચિમી રોસ્તોવ ક્ષેત્રમાં આવેલા એક ઇંધણ ભંડાર કેન્દ્રમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના સેંકડો ઘરોમાં રહેતા સામાન્ય લોકોને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તેમજ સારોતાવ પ્રાંતના ગવર્નર રોમન બુસાગિર્ને સ્વીકાર્યું છે કે આ હુમલામાં રશિયાના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થયું છે.
રશિયન તેલ ભંડારો પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો એટેક
યુક્રેન દ્વારા રશિયાના રણનીતિક ઉર્જા માળખાને આર્થિક રીતે નબળું પાડવા માટે આ અત્યંત આયોજિત અને મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. રશિયાના રોસ્તોવ અને સારોતાવ પ્રાંતમાં ઇમરજન્સી અને ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. પરમાણુ પ્લાન્ટ પર હુમલાના રશિયાના આક્ષેપથી આંતરરાષ્ટ્રીય સ્તરે અણુ યુદ્ધનો ખતરો ફરી એકવાર મંડરાઈ રહ્યો છે.