Loading Please Wait !!!
પંજાબની જેમ ગુજરાતના આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવા માંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે ૬૫૦૦૦ થી વધુ આઉટસોર્સ કર્મચારીઓને સરકાર હસ્તક લેવાનો મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ટાંકીને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રવીણ રામે ગુજરાતમાં કામ કરતા અંદાજે ૫ લાખ જેટલા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું ખુલ્લેઆમ આર્થિક શોષણ થતું હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે અને ગુજરાતમાં પણ પંજાબ જેવો નિર્ણય લાગુ કરવા ઉગ્ર માંગ ઉઠાવી છે. પ્રવીણ રામે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, પંજાબમાં ભગવંત માન સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સરકાર હસ્તક લઈને PF અને નિવૃત્તિના લાભ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જે સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ સમાન છે. તેની સામે ગુજરાતમાં ભાજપ સરકાર પોતાની માનીતી એજન્સીઓને સરકારી તિજોરીના પૈસા આપી રહી છે. આ એજન્સીઓ અને સરકારના મળતિયાઓ કર્મચારીઓના નામે બેફામ પીસાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતનો યુવાન કોન્ટ્રાક્ટ પ્રથાના નામે બેફામ પીસાઈ રહ્યો છે. ગુજરાત સરકારની નીતિઓ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, ગુજરાતની સરકારે યુવાનોનું શોષણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. ગુજરાતની જનતાએ હવે આપ અને ભાજપ સરકારની કાર્યપદ્ધતિ વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. પ્રવીણ રામે ગુજરાતના આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વતી રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ આઉટસોર્સ કર્મચારીઓને સરકાર હસ્તક લેવાનો ઐતિહાસિક નિર્ણય તાત્કાલિક લેવામાં આવે, જેથી લાખો યુવાનોને આર્થિક શોષણમાંથી મુક્તિ મળી શકે.