Loading Please Wait !!!
ટ્રમ્પનું ટેન્શન વધ્યું: પ્રમુખને નાપસંદ કરનારા શ્વેત મતદારો 54% થયા

  • મોંઘવારી અને આર્થિક નીતિઓથી કટ્ટર સમર્થકો પણ નિરાશ, અપ્રુવલ રેટિંગમાં મોટો કડાકો
  • સીબીએસ ન્યૂઝ પોલનો દાવો, કોલેજ ડિગ્રી વગરના શ્વેત અમેરિકનોએ પણ ટ્રમ્પથી મોં ફેરવ્યું
  • અર્થતંત્રના સંચાલનમાં 22 પોઇન્ટનું નકારાત્મક રેટિંગ, ઇકોનોમિસ્ટ-યુગવ પોલથી ખળભળાટ

સિટી ન્યુઝ @ વૉશિંગ્ટન

 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થકો ગણાતા વ્હાઇટ વોટર્સ એટલે કે શ્વેત મતદારો પણ હવે તેમની સરકારની કામગીરીથી ભારે નિરાશ જોવા મળી રહ્યા છે. ટ્રમ્પ શાસનમાં અર્થતંત્રમાં થયેલા છબરડા અને દેશમાં સતત વધી રહેલી અસહ્ય મોંઘવારીને જોઈને વર્ષ 2024 ની ચૂંટણીમાં તેમને જંગી માર્જિનથી જીતાડનારા શ્વેત નોકરિયાત મતદારોમાં તેમનું એપ્રુવલ રેટિંગ ખૂબ જ નીચું ગયું છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, વર્તમાન પ્રમુખ ટ્રમ્પને નાપસંદ કરનારા શ્વેત અમેરિકનોની ટકાવારી વધીને હવે રેકોર્ડબ્રેક 54 ટકાના સ્તરે પહોંચી ગઈ છે.

આ મહિને જાહેર થયેલા સીબીએસ ન્યૂઝ પોલના આંકડા મુજબ, ટ્રમ્પની કામગીરી અંગે કોલેજ ડિગ્રી વગરના શ્વેત મતદાતાઓનું ડિસએપ્રુવલ રેટિંગ ફેબ્રુઆરી 2025 માં માત્ર 32 ટકા હતું, જે આ વર્ષે માર્ચમાં વધીને 45 ટકા અને હવે મે મહિનાના અંતે 54 ટકાએ પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. આગામી નવેમ્બર મહિનામાં અમેરિકામાં મિડ ટર્મ ઇલેકશન યોજાવાના છે, તે પહેલાં આ પ્રકારનું નકારાત્મક રેટિંગ રિપબ્લિકન પાર્ટી માટે બહુ મોટો ચેતવણીનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે વર્ષ 2016, 2020 અને 2024 માં જે વોટબેંકના જોરે સત્તા મેળવી હતી, તે બે તૃતિયાંશ શ્વેત સમર્થન હવે સરકી રહ્યું છે.

જો કે, કોલેજ ડિગ્રી વગરના શ્વેત અમેરિકનો હજી પણ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન પોલિસીને યોગ્ય માને છે, પરંતુ તેના માર્જિનમાં પણ અગાઉ કરતા મોટો ઘટાડો નોંધાયો છે. મતદારોએ ટ્રમ્પના આર્થિક સંચાલનને 22 પોઇન્ટનું ડિસએપ્રૂવલ રેટિંગ આપ્યું છે. આ સિવાય અન્ય એક મહત્વના ક્વિનિપિયાક યુનિવર્સિટીના નેશનલ પોલ મુજબ, ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ઘટીને 34 ટકા અને ડિસએપ્રુવલ રેટિંગ 58 ટકા રહ્યું હતું, જે તેમની આખી પ્રેસિડેન્સીમાં અત્યાર સુધીનું સૌથી નીચું રેટિંગ છે જેને પગલે વ્હાઇટ હાઉસમાં ચિંતા વ્યાપી છે.

અમેરિકન રિસર્ચ ગ્રુપના સર્વેમાં મોટો આંચકો

અમેરિકન રિસર્ચ ગ્રુપના નેશનલ સરવેના નવા તારણોએ પ્રમુખ ટ્રમ્પની મુશ્કેલીઓમાં ભારે વધારો કર્યો છે. આ વૈશ્વિક રિપોર્ટ મુજબ ટ્રમ્પનું એપ્રિવલ રેટિંગ ઘટીને માત્ર 31 ટકા થઈ ગયું છે, જ્યારે તેમની સામેનો અસંતોષ એટલે કે ડિસએપ્રૂવલ રેટિંગ વધીને 64 ટકાના સ્તરે પહોંચી ગયું છે. તેમની છેલ્લી બે ટર્મની સરખામણીએ આ રેટિંગ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન દર્શાવે છે.