Loading Please Wait !!!
બાળક પેદા કરવા સરકાર આપશે 53 લાખ રૂપિયા

  • સિંગાપોરના વડાપ્રધાનની જાહેરાત; પ્રજનન દર ઘટીને 87% થયો
  • સિંગાપોરમાં વસ્તી વધારવા એક ઐતિહાસિક નાણાકીય પેકેજની જાહેરાત

સિટી ન્યૂઝ@સિંગાપોર

ઘટતા જન્મદર સામે ઝઝૂમી રહેલા સિંગાપોરે વસ્તી વધારવા માટે એક ઐતિહાસિક નાણાકીય પેકેજની જાહેરાત કરી છે. વડાપ્રધાન લોરેન્સ વૉંગે સહાય યોજનાની શરૂઆત કરી છે. આ અંતર્ગત એક બાળકના જન્મથી લઈને તે ૧૭ વર્ષનું થાય ત્યાં સુધી પરિવારને લગભગ ૭૦ હજાર સિંગાપોર ડૉલર એટલે કે લગભગ ૫૩ લાખ રૂપિયા સુધીની સરકારી મદદ મળશે. નવી વ્યવસ્થા આવતા વર્ષે એપ્રિલથી શરૂ થશે. આ નવી યોજનામાં બાળકના જન્મ સમયે પરિવારને ૧૦ હજાર સિંગાપોર ડૉલર (લગભગ ૭ લાખ રૂપિયા) ની બેબી ગિફ્ટ મળશે. ત્યાર બાદ બાળકના શિક્ષણ, સ્વાસ્થ્ય અને દેખભાળ સાથે જોડાયેલા ખર્ચમાં સરકાર અલગ-અલગ રીતે સહાય કરશે. પ્રી-સ્કૂલની ફી ઓછી કરવાની પણ તૈયારી છે. ૧૭ વર્ષની ઉંમર સુધી સહાય ચાલુ રહ્યા બાદ ઉચ્ચ શિક્ષણના ખર્ચમાં પણ મદદની જોગવાઈ હશે. સરકાર ચાઇલડકેર લીવ પણ વધારવા જઈ રહી છે. રજાનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવશે. સિંગાપોરની સમસ્યા નવી નથી. દેશે ૨૦૦૧માં બેબી બોનસ યોજના શરૂ કરી હતી. તે સમયે પ્રતિ મહિલા પ્રજનન દર ૧.૪૧% હતો. તેમ છતાં ૨૦૨૫ માં આ ઘટીને લગભગ ૦.૮૭% રહી ગયો. વસ્તીને સ્થિર રાખવા માટે લગભગ ૨.૧% નો પ્રજનન દર જરૂરી માનવામાં આવે છે. એટલે કે આર્થિક સહાય છતાં લોકો બાળક પેદા કરવાથી પાછળ હટી રહ્યા છે. યુગોવ ના એક સર્વેમાં સામે આવ્યું છે કે સિંગાપોરમાં દર ચારમાંથી એક વ્યક્તિ ભવિષ્યમાં બાળક પેદા કરવા નથી માંગતો.

૫૬ લાખની કુલ વસ્તી ધરાવતો સિંગાપોર એકમાત્ર દેશ નથી જે જન્મદર વધારવા માટે સહાય યોજના લઈને આવ્યો છે. દક્ષિણ કોરિયા, જાપાન, હંગેરી, ફ્રાન્સ, રશિયા અને ચીન પણ અલગ-અલગ સમયે પરિવારોને આર્થિક સહાય, રજાઓ અને અન્ય સુવિધાઓ આપીને લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યા છે.