અમેરિકાનું 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ': ઈરાન સાથે ભારતના વેપાર પર સંકટના વાદળો
-
ઈરાનના નાણાકીય માળખા અને તેલની આવકને તોડી પાડવા અમેરિકાનું વૈશ્વિક અભિયાન
-
2018-19 માં 17 અબજ ડોલરે પહોંચેલો દ્વિપક્ષીય વેપાર હાલ 90% કરતાં વધુ ઘટી ગયો
-
દુબઈ પોર્ટ મારફતે ઈરાન જતાં ભારતીય મસાલા, કોફી અને ફાર્મા સેક્ટર પર માઠી અસરની ભીતિ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
અમેરિકાએ ઈરાનને આર્થિક રીતે વૈશ્વિક સ્તરે સંપૂર્ણપણે અલગ-થલગ કરવાના ઉદ્દેશથી એક આક્રમક વૈશ્વિક અભિયાનની સત્તાવાર જાહેરાત કરી છે. આ વિશેષ અભિયાનને 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' નામ આપવામાં આવ્યું છે. આ નવી વ્યુહરચના હેઠળ ઈરાનના નાણાકીય નેટવર્ક, તેલની નિકાસમાંથી થતી આવક અને તેના આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધોને સીધા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કડક આર્થિક નીતિની સીધી પ્રતિકૂળ અસર ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય વેપાર પર પડવાની પૂરી શક્યતા છે.
ભારત ઐતિહાસિક રીતે ઈરાનના સૌથી મોટા અને વિશ્વસનીય વ્યાપારી ભાગીદાર દેશોમાં અગ્રેસર રહ્યું છે. જોકે, અગાઉ લાદવામાં આવેલા અમેરિકી પ્રતિબંધોના કારણે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2018-19 ના 17 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરથી ઘટીને હાલ 90 ટકાથી પણ વધુ તૂટી ચૂક્યો છે. હાલના તબક્કે ભારતમાંથી ઈરાનમાં મુખ્યત્વે એવી જ જીવનજરૂરી ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે, જેમને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ માનવીય ધોરણે અમેરિકી પ્રતિબંધોમાંથી મુક્તિ મળેલી છે.
આંતરરાષ્ટ્રીય વેપાર નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાના આ નવા આકરા પ્રતિબંધોના પગલે ભારતમાંથી ઈરાન મોકલવામાં આવતા બાસમતી ચોખા, ચા, કોફી, તેજાના મસાલા અને ફાર્માસ્યુટિકલ દવાઓની નિકાસ પર અત્યંત ગંભીર અસર થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ આવશ્યક ચીજોનો મોટો હિસ્સો સીધો મોકલવાને બદલે દુબઈ બંદરગાહ મારફતે ઈરાન પહોંચાડવામાં આવી રહ્યો છે, જેના ટ્રાન્ઝિટ રૂટ પર પણ હવે જોખમ ઊભું થયું છે.
આ નવા પ્રતિબંધોના કારણે ભારતીય નિકાસકારો ઉપરાંત સ્થાનિક બેંકો, શિપિંગ એજન્સીઓ અને લોજિસ્ટિક્સ કંપનીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. આ સાથે જ ભારતના રણનીતિક મહત્વ ધરાવતા મહત્વાકાંક્ષી ચાબહાર પોર્ટ પ્રોજેક્ટના સંચાલન અને વિકાસ સામે પણ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. બેંકિંગ ચેનલો બ્લોક થવાના ડરે ભારતીય વેપારીઓને પેમેન્ટ મેળવવામાં મોટો અવરોધ આવી શકે છે.
અગાઉથી જ નબળા પડી ચૂકેલા દ્વિપક્ષીય વેપારને લઈને ભારતીય નિકાસકારો ભારે ચિંતામાં મુકાયા છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે જો અમેરિકા દ્વારા નાણાકીય વ્યવહારો પર વધુ કડક નિયંત્રણો લાદવામાં આવશે, તો ભારતીય કૃષિ અને ફાર્મા નિકાસકારોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.
ઈરાન સાથે વેપારની વર્તમાન સ્થિતિ
ભારત અને ઈરાન વચ્ચે ઔપચારિક વેપાર હવે એ સ્તર પર નથી, જે અમેરિકી પ્રતિબંધો પહેલાં હતો. વાણિજ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર, 2025-26માં દ્વિપક્ષીય વેપાર લગભગ 14,483.81 કરોડ રૂપિયાનો રહ્યો હતો. જેમાં ભારતની નિકાસ 11,113.35 કરોડ રૂપિયા, જ્યારે આયાત લગભગ 3,325.45 કરોડ રૂપિયા હતી.
2018 પછી બદલાયા હાલત
2018-19માં ભારત-ઈરાન વચ્ચે કુલ 36,371.30 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો, જેમાં ભારતે ઈરાનને 5,685.62 કરોડ રૂપિયાનો માલ મોકલ્યો હતો, જ્યારે ઈરાનથી 30,685.68 કરોડ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો.
અમેરિકી પ્રતિબંધો પછી ન માત્ર બંને દેશો વચ્ચેનો વેપાર ઘટ્યો, બલ્કે વેપારનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. જોકે હવે ભારત ઈરાનને વધુ નિકાસ કરે છે અને આયાત ઓછી કરે છે.
ઈરાની તેલની આયાત ઘટી
ભારતની ઈરાનથી કાચા તેલની આયાત 2026માં ઘણી ઘટી છે. આંકડા અનુસાર, અમેરિકા-ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટ વચ્ચે ભારતે માર્ચમાં મધ્ય-પૂર્વથી તેલ આયાત 61 ટકા ઘટાડીને 1.18 મિલિયન બેરલ પ્રતિદિન કરી દીધી હતી. ભારતે મે મહિનામાં સાત વર્ષ પછી ઈરાની તેલ આયાત ફરી શરૂ કરી હતી. જાન્યુઆરી-જૂનમાં ભારતે ઈરાનથી 70.7 કરોડ ડોલરનું તેલ ખરીદ્યું.
અમેરિકાનું ઈરાન પર દબાણ
1. પોતાની નવી રણનીતિમાં અમેરિકાએ અન્ય દેશોને પણ ઈરાન સાથેના આર્થિક સંબંધો ખતમ કરવા માટે કહ્યું છે.
2. પરમાણું, મિસાઈલ, સાયબર અને તેલ નેટવર્ક સાથે જોડાયેલી 60 સંસ્થાઓ અને જહાજો પર નવા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
ચાર ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ
અમેરિકાએ ઈરાનથી પેટ્રોલીયમ અને પેટ્રોરસાયણ ઉત્પાદનોની આયાતના મામલે ભારતમાં સ્થિત ચાર કંપનીઓ વિરૂધ્ધ પ્રતિબંધ લગાવ્યા છે. જેમાં સીગા-શુલ્ક બ્રોકર પાર્ટનર્સ એલએલપી તથા તેના ભાગીદાર ઈન્ડરસીમિયા અશરફમિયા શેખ અને હરીશ રામચંદ્ર રંગી સામેલ છે.
પ્રતિબંધના દાયરામાં આવેલી અન્ય કંપનીઓમાં સદાશિવ ઓવરસીઝ લિમિટેડ, પીપી સોફ્ટટેક પ્રાઈવેટ લિમિટેડ અને પ્રકૃતિસ ઇનફ્રા ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ સામેલ છે. સદાશિવે 6.9 કરોડ ડોલરના પેટ્રોલીયમ ઉત્પાદનોની આયાત કરી હતી.
ઈરાનના નિકાસ ભાગીદાર
1. ચીન - 14.58
2. ઈરાક - 11.7
3. યુએઈ - 7.16
4. તુર્કીયે - 6.1
5. અફઘાનિસ્તાન - 2.3
શીર્ષ આયાત ભાગીદાર
1. યુએઈ - 21 અબજ ડોલર
2. ચીન - 17.8 અબજ ડોલર
3. તુર્કી - 11.1 અબજ ડોલર
4. યુરોપીય સંઘ - 6.1ષઅબજ ડોલર
5. ભારત - 1.6 અબજ ડોલર
કાચા તેલમાં ઉછાળો શક્ય
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાનાં આ અભિયાનના કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં અસ્થિરતા વધી શકે છે. જો ઈરાનનું કાચું તેલ બજારમાંથી પૂરી રીતે બહાર થઈ જાય છે, તો વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડની કિંમતોમાં તેજી આવવાની શક્યતા છે.
આ દેશો પર લગામ લગાવી
ચીન : ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર ચીન રહ્યો છે. ઈરાનના સમુદ્રી રસ્તેથી થતા તેલ નિકાસનો 80 ટકાથી વધુ હિસ્સો ચીન જાય છે. અમેરિકાએ આ નવા પ્રતિબંધો દ્વારા ઈરાન અને ચીનના કારોબારને રોકવા કે ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે.
તુર્કીયે : તુર્કીયે પણ ઈરાનનો વ્યાપારી ભાગીદાર છે. ઈરાન લાંબા સમયથી તબરીઝ-અંકારા પાઈપલાઈનના માધ્યમથી તુર્કીયેને પાઈપલાઈન ગેસનો પુરવઠો પૂરો પાડે છે. સાથે જ પેટ્રોકેમિકલ્સ, ખાતર ઉત્પાદન અને નિર્માણ સામગ્રી પણ મોકલે છે.
ઈરાક : ઈરાન ઈરાકમાં વીજળી ઉત્પાદન માટે ગેસનો પ્રમુખ સપ્લાયર છે. આ ઉપરાંત ખાધ્ય ઉત્પાદનો, મકાન નિર્માણ સામગ્રી અને ઉત્પાદિત વસ્તુઓનો પણ એક પ્રમુખ સ્રોત છે.
દુનિયાભરમાં આ છ ક્ષેત્રો પર પડશે સીધી અસર
ડિજિટલ એસેટ્સ, ક્રિપ્ટો : ઈરાન ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ એસેટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ચૂકવણી કરી રહ્યું હતું. અમેરિકાએ તે તમામ ક્રિપ્ટો એક્સચેન્જને બ્લેકલિસ્ટ કરી દીધા છે.
સોનું : ઈરાન દ્વારા તેલના બદલે સોનાની તસ્કરી કે બુલિયન ટ્રેડથી રોકડ એકઠી કરવાની કોશિશો પર રોક લગાવવા માટે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ રિફાઈનરીઝ અને બુલિયન ડીલરોને ચેતવણી જારી કરી છે.
શિપિંગ : ઈરાનના કાચા તેલને દુનિયાના બજારો સુધી પહોંચાડવા વાળા `શેડો ટેન્કરો' પર સીધી કાર્યવાહી કરવામાં આવી છે. બે ડઝન તેલ જહાજો, શિપિંગ મેનેજમેન્ટ કંપનીઓના ઈન્સ્યોરન્સ રદ કરી દેવાયા છે.
વિમાનન (એવિએશન) : ઈરાની વિમાન કંપનીઓને મળવા વાળા એરક્રાફ્ટ સ્પેર પાર્ટ્સ, મેન્ટેનન્સ સપોર્ટ અને વિદેશી હવાઈ મથકો પર રી-ફ્યુઅલિંગ (ઈંધણ) સુવિધાઓને પ્રતિબંધિત કરી દેવાઈ છે.
ટેકનોલોજી : સૈન્ય ઉપકરણો, ડ્રોન અને મિસાઈલ નિર્માણમાં ઉપયોગ થતી ઉચ્ચ ટેકનિક, માઈક્રોચિપ્સ, સેન્સર્સ અને સોફ્ટવેરના ઈરાનમાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
નાણાકીય નેટવર્ક : ઈરાનની સેન્ટ્રલ બેંક, શેલ કંપનીઓ અને વિદેશી મની એક્સચેન્જ પર શિકંજો કસીને તેના તેલથી થતા અબજો ડોલરના મહેસૂલની લેવડ-દેવડને શૂન્ય પર લાવવાની યોજના છે.