Loading Please Wait !!!
નેપાળમાં ભયાનક જળપ્રલય: 162 ના મોત, 133 ભારતીયો સહિત 844 લોકો લાપતા

 

  • લેંડે અને ત્રિશૂલી નદીઓમાં ઘોડાપૂર આવતાં નુવાકોટ, ચિતવન સહિત 5 જિલ્લાઓમાં ભારે તારાજી

  • કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ઇશા ફાઉન્ડેશનના 77 સહિત 400 યાત્રાળુઓ અટવાયા

  •  

    પીએમ બાલેન્દ્ર શાહે સેના અને પોલીસને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવા આદેશ આપ્યો

     

સિટી ન્યુઝ @ કાઠમંડુ

ભારતના પાડોશી દેશ નેપાળમાં તિબેટ સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં સર્જાયેલા ભયાનક જળપ્રલય અને પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી હોનારતમાં મૃત્યુઆંક વધીને 162 પર પહોંચી ગયો છે, જ્યારે 133 ભારતીય પ્રવાસીઓ સહિત કુલ 844 લોકો લાપતા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. અચાનક ત્રાટકેલા પૂરના કારણે સેકન્ડોમાં જ આખેઆખા ગામો, સંખ્યાબંધ પાકી ઇમારતો, પુલ અને 12 થી વધુ જળ વિદ્યુત પ્રોજેક્ટ્સ ધરાશાયી થઈને તણાઈ ગયા છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે માહિતી આપતાં જણાવ્યું કે ભૂકંપ આવ્યાની માત્ર 3 જ મિનિટમાં નદીઓમાં પૂર આવી ગયું હતું, જેથી સ્થાનિક લોકોને કે પ્રવાસીઓને જીવ બચાવવાની કોઈ તક મળી નહોતી. નેપાળ-તિબેટ સરહદે વહેતી લેંડે નદીનું જળસ્તર ભયજનક રીતે વધતાં કાટમાળ ત્રિશૂલી નદી સુધી પહોંચ્યો હતો. જેના પરિણામે નુવાકોટ, ચિતવન, ગોરખા, તનહુ અને નવલપરાસી જિલ્લાઓમાં પૂરના પાણી ઘૂસી જતાં સર્વત્ર તારાજીના દ્રશ્યો સર્જાયા છે.

આ ભયાનક આપત્તિને પગલે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસને સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવા આદેશ આપ્યો છે. રાહત અને બચાવ કામગીરી માટે 30 સૈન્ય હેલિકોપ્ટરો તૈનાત કરવામાં આવ્યા છે, જેમના દ્વારા પ્રારંભિક તબક્કામાં 100 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારત સરકારે પણ તાત્કાલિક મદદની ખાતરી આપી રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો રવાના કરી દીધો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર લાપતા થયેલા 844 લોકોમાં 265 ચીની નાગરિકો, 133 ભારતીય પ્રવાસીઓ, 37 NRI, નેપાળ સેનાના 44 જવાન સહિત 80 સુરક્ષા કર્મીઓ સામેલ છે. આ ઉપરાંત અમેરિકા, બ્રિટન, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સહિત 2 ડઝન જેટલા દેશોના પ્રવાસીઓ પણ ગુમ થયા છે, જેમને શોધવા શોધખોળ તેજ કરવામાં આવી છે.

બીજી તરફ કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા અંદાજે 400 જેટલા યાત્રાળુઓ હાલ સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન મારફતે ગયેલા 77 શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. હોનારત સમયે તેઓ વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે સરહદી ઈમિગ્રેશન સેન્ટર પર ઉપસ્થિત હતા, જેમનો સંપર્ક સાધવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.

નેપાળમાં જળપ્રલયથી 162 ના મોત

નેપાળના રસુવા જિલ્લામાં ભૂકંપ બાદ આવેલા ભયાનક પૂરમાં 162 લોકોના મોત થયા છે અને 133 ભારતીયો સહિત 844 લોકો લાપતા છે. 12 હાઇડ્રો પ્રોજેક્ટ અને અનેક પુલ ધરાશાયી થયા છે. 30 સૈન્ય હેલિકોપ્ટર સાથે સેનાએ બચાવ કામગીરી હાથ ધરી છે, જ્યારે કૈલાશ માનસરોવરના 400 યાત્રાળુઓ પણ હાલ સંપર્ક વિહોણા બન્યા છે.