Loading Please Wait !!!
બાળકોમાં સોશિયલ મીડિયા વ્યસન મામલે મેટા ઝૂક્યું: ₹1.7 લાખ કરોડ ચૂકવવા સહમત

 

  • બાળકોના મગજના વિકાસ પર ગંભીર અસર પહોંચાડતા ફીચર્સ સામે કોર્ટનો મોટો ફેંસલો

  • અમેરિકી ઇતિહાસમાં કોઈપણ ટેક કંપની સામે થયેલું આ સૌથી મોટું લીગલ સેટલમેન્ટ

  • આગામી 10 વર્ષમાં 48 રાજ્યોને માનસિક સ્વાસ્થ્ય અને ડિજિટલ શિક્ષણ માટે નાણાં અપાશે

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

સોશિયલ મીડિયા ક્ષેત્રે બાળકો અને કિશોરોની સુરક્ષા તેમજ માનસિક સ્વાસ્થ્યને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના વ્યસનથી બાળકોના માનસિક વિકાસને થતા નુકસાનના ગંભીર કેસમાં ટેક જાયન્ટ મેટા કંપનીએ અમેરિકી રાજ્યો સમક્ષ ઝૂકવું પડ્યું છે. વર્ષોથી ચાલી રહેલા મોટા કાનૂની વિવાદનો અંત લાવવા માટે કંપનીએ 18 બિલિયન ડોલર એટલે કે આશરે ₹1.7 લાખ કરોડ ચૂકવવા તેમજ સુરક્ષા નિયમો બદલવા સંમતિ આપી છે.

અમેરિકાના રાજ્યો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં એટર્ની જનરલે કોર્ટમાં સાબિત કર્યું હતું કે મેટાના અનલિમિટેડ સ્ક્રોલિંગ, લાઈક બટન અને સતત પુશ નોટિફિકેશન જેવા ફીચર્સ બાળકોના મગજ પર નકારાત્મક અસર કરે છે. આ ફીચર્સના કારણે કિશોરોમાં ગંભીર ડિપ્રેશન, ચિંતા અને ઊંઘ ન આવવાની માનસિક સમસ્યાઓ ઝડપથી વધી રહી હતી. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ જણાવ્યું કે આ સેટલમેન્ટથી હવે બાળકો માટે વાસ્તવિક સુરક્ષા સુનિશ્ચિત થશે.

આ કરાર હેઠળ મળનારી 18 બિલિયન ડોલરની રકમ આગામી 10 વર્ષમાં અમેરિકાના 48 રાજ્યો અને વોશિંગ્ટન ડીસીને વહેંચવામાં આવશે. જેમાં કેલિફોર્નિયાને સૌથી મોટો હિસ્સો એટલે કે ઓછામાં ઓછા 1.5 બિલિયન ડોલર ફાળવાશે. આ જંગી ભંડોળનો ઉપયોગ બાળકો માટે સ્કૂલ પછીના પ્રવૃત્તિ કાર્યક્રમો, ડિજિટલ સાક્ષરતા કાઉન્સેલિંગ અને માનસિક સ્વાસ્થ્ય સુધારણા યોજનાઓ પાછળ કરવામાં આવશે.

સેટલમેન્ટની શરતો મુજબ મેટાએ પોતાના પ્લેટફોર્મ પર 5 મોટા કડક નિયમો તાત્કાલિક લાગુ કરવા પડશે. જેમાં કિશોરો માટે દરરોજ મહત્તમ 2 કલાકની વપરાશ મર્યાદા, અભ્યાસ દરમિયાન સ્કૂલ ટાઇમમાં નોટિફિકેશન પર સંપૂર્ણ પ્રતિબંધ, પોસ્ટ પરથી લાઈક્સ હટાવવાનો વિકલ્પ, નાઇટ મોડ બ્રેક્સ અને બુલિંગ તેમજ સેલ્ફ-હાર્મને પ્રોત્સાહન આપતા નુકસાનકારક કન્ટેન્ટ પર કડક રોક સામેલ છે.

બીજી તરફ મેટાએ શરત મૂકી છે કે રકમનો 30% હિસ્સો ત્યારે જ મુક્ત થશે જ્યારે હરીફ પ્લેટફોર્મ TikTok અને YouTube પણ આવા કડક સુરક્ષા નિયમો લાગુ કરશે. આ કરારમાં ફ્લોરિડાએ જોડાવાનો ઇનકાર કરતાં એટર્ની જનરલ જેમ્સ ઉથમિયરે જણાવ્યું કે નુકસાન સામે આ રકમ ઓછી છે, જ્યારે ટેક નિષ્ણાતોએ બાળકોની સંપૂર્ણ સુરક્ષા માટે કાયમી કાયદા ઘડવાની તાતી જરૂરિયાત વ્યક્ત કરી છે.

બાળકોની સુરક્ષા મામલે મેટા ઝૂક્યું

બાળકોમાં સોશિયલ મીડિયાના વ્યસન અને માનસિક નુકસાન બદલ મેટાએ યુએસ રાજ્યો સમક્ષ ₹1.7 લાખ કરોડ ચૂકવવા સહમતિ દર્શાવી છે. કરાર મુજબ 48 રાજ્યોને રકમ મળશે અને Instagram-Facebook પર 2 કલાકની ડેઇલી લિમિટ, સ્કૂલ સમયમાં નોટિફિકેશન બંધ તેમજ લાઈક્સ છુપાવવા જેવા કડક સુરક્ષા નિયમો લાગુ થશે.