Loading Please Wait !!!
ઈસરોના સેટેલાઇટ ડેટામાં મોટો ઘટસ્ફોટ: ગ્લેશિયર તૂટવાથી ત્રિશૂલી નદીમાં જળપ્રલય સર્જાયો

 

  • ઈસરોના સેટેલાઈટ રિસોર્સનેટ-2A અને યુરોપિયન સેન્ટિનેલ-2 ની ઈમેજ પરથી તારણ સામે આવ્યું

  • કટોરા આકારના સર્ક ગ્લેશિયરમાં હજારો ટન પાણી અને બરફ જમા થવાથી કુદરતી બંધ તૂટ્યો

  • લ્હેન્ડે નદીમાં અગાઉ હિમશીલા પડતાં પાણી ભરાયું હતું, જેમાં ગ્લેશિયરનો કાટમાળ ઉમેરાયો

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નેપાળમાં આવેલા વિનાશકારી પૂર અને જળપ્રલય પાછળ 4.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી વિશાળ સર્ક ગ્લેશિયર તૂટી પડવાની ઘટના મુખ્ય જવાબદાર હોવાનું ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના વિશ્લેષણમાં બહાર આવ્યું છે. ઈસરો દ્વારા સેટેલાઈટ ઈમેજરીના આધારે કરવામાં આવેલા અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે જમીન સપાટી પર મધ્યમ ગણાતો આંચકો પહાડી અને ગ્લેશિયર વિસ્તારોમાં અત્યંત વિનાશક સાબિત થયો હતો.

ઈસરોના અહેવાલ અનુસાર, તિબેટ અને નેપાળના રસુવા સરહદી વિસ્તારમાં ભારતીય સમય મુજબ સવારે 8.22 કલાકે 10 કિલોમીટરની ઊંડાઈએ 4.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ક્ષેત્ર સિસ્મિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હોવાથી ભૂકંપના આંચકાના કારણે પહાડો વચ્ચે બનેલા કુદરતી હિમસરોવરની પકડ ઢીલી પડી ગઈ હતી. પરિણામે વિશાળ હિમશીલા સાથેનું મોટું હિમસ્ખલન થઈને સેંકડો ટન પાણી, બરફ અને કાટમાળ ખીણ તરફ ધસી આવ્યો હતો.

પહાડી વિસ્તારોમાં ચટ્ટાનો વચ્ચે કટોરા આકારમાં રચાતા સર્ક ગ્લેશિયર આ દુર્ઘટનાનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. આ પ્રકારના ગ્લેશિયરમાં ક્ષમતા કરતાં વધુ પાણી અને બરફ જમા થયેલો હોય છે. ભૂકંપના આંચકાથી આ કુદરતી બંધ સેકન્ડોમાં તૂટી જતાં હજારો ટન કાટમાળ ત્રિશૂલી નદીમાં ખાબક્યો હતો, જેના કારણે નદીમાં અચાનક પ્રચંડ પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી.

ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીના ઉપગ્રહોની તસવીરો દર્શાવે છે કે આ હોનારતમાં 2 કુદરતી ઘટનાઓ એકસાથે બની હતી. 24 ઓગસ્ટે સેન્ટિનેલ-2 સેટેલાઈટ દ્વારા લેવાયેલી તસવીરોમાં લ્હેન્ડે નદીમાં અગાઉથી હિમશીલા પડવાને કારણે પાણીનો પ્રવાહ અવરોધાઈને મોટો જળજથ્થો એકઠો થયો હતો. ત્યારબાદ 26 ઓગસ્ટે ભૂકંપ આવતાં સર્ક ગ્લેશિયરનો કાટમાળ પણ તેમાં ઉમેરાતાં વિનાશક પૂર આવ્યું હતું.

અમેરિકી જીયોલોજીકલ સર્વે અને ભારતીય વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ પુરાવાઓને ટાંકીને જણાવ્યું છે કે ગ્લેશિયર ક્ષેત્રોમાં સામાન્ય તીવ્રતાના ભૂકંપ પણ આવા મોટા હિમસ્ખલન અને ફ્લેશ ફ્લડનું કારણ બની શકે છે.

ભૂકંપથી સર્ક ગ્લેશિયર તૂટતાં પૂર

નેપાળમાં આવેલા 4.9 ની તીવ્રતાના ભૂકંપના કારણે વિશાળ સર્ક ગ્લેશિયર તૂટી પડતાં ત્રિશૂલી અને લ્હેન્ડે નદીમાં ભયાનક જળપ્રલય સર્જાયો હોવાનું ઈસરોની સેટેલાઈટ તસવીરોમાં સામે આવ્યું છે. અગાઉથી બ્લોક થયેલી નદીમાં હજારો ટન હિમ મલબો ખાબકતાં બંને કુદરતી ઘટનાઓ ભેગી થઈને મહાવિનાશ સર્જ્યો હતો.