Loading Please Wait !!!
નેપાળના પૂરમાં 12 ગુજરાતી યાત્રિકો ગુમ

કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલ; પરિવારોમાં ભારે ચિંતા
રાજકોટનો જય દિનેશ કોટેચા પણ સંપર્ક વિહોણો : ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે સર્ચ ઓપરેશન તેજ

સિટી ન્યૂઝ@રાજકોટ

નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ ૧૨ યાત્રાળુઓ ગુમ થયા છે અથવા કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાહત-બચાવ કામગીરી અને સંપર્કના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જ્યારે ફિલ્મ એક્ટ્રેસ માનસીએ પારેખ પણ પૂરમાં ફસાઈ છે. તેણે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે.

કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો મુજબ ગુમ થયેલા ૧૨ લોકોમાં અમદાવાદના ૩, આણંદના ૨, સુરતના ૩, વલસાડના ૧, રાજકોટના ૧ તેમજ મૂળ ગુજરાતી એવા યુએસએના ૧ અને ઓસ્ટ્રેલિયાના ૧ નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કૈરું રૂટ પર ગયા હતા.

આ ૧૨માં ન્યૂઝીલેન્ડમાં રહેતું અને મૂળ વડોદરાનું દંપતી પણ સંપર્ક વિહોણું છે. તેમના પરિવારજન ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતા.

કેટલાક યાત્રાળુઓ રસુવાગાઢી-કેરુંગ બોર્ડર પર બોટે કોશી નદી અને ફেন্ডશિપ બ્રિજ નજીક હતા ત્યારે પૂરની ઝપેટમાં આવી જતાં સંપર્કવિહોણા બન્યા હતા. મોટાભાગના યાત્રિકો છેલ્લા ૨૪ કલાકથી સંપર્ક થઈ શક્યો નથી. જેને કારણે ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નેપાળના ઇમર્જન્સી સેન્ટરના સતત સંપર્કમાં રહી બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યું છે.

  • ગુજરાતી એક્ટ્રેસ માનસી પારેખ ચીનમાં ફસાઈ
  • RTO અને કલેક્ટર તંત્ર વાહનોના સંપર્કમાં તમામ સલામત
  • રાજકોટથી RTOની મંજૂરી લઈ 15 વાહનો નેપાળ ગયા હતા
નેપાળમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે રાજકોટથી RTOની મંજૂરી લઈને નેપાળ ગયેલા કુલ ૧૫ વાહનો અંગે તંત્ર સક્રિય બન્યું છે. રાજકોટ RTO કચેરી દ્વારા આ તમામ વાહનોના માલિકો અને વાહનો અંગે સંપર્ક સાધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાહનોમાં વિવિધ પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે. બપોર સુધી RTO દ્વારા સંપર્ક કરવાના પ્રયાસો છતાં હજુ તમામ સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી. જોકે, મોટાભાગના વાહનો હાલ ભારતીય સરહદ નજીક હોવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ વાહનો અને તેમાં સવાર લોકોની સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે રાજકોટ કલેક્ટર તંત્ર અને RTO દ્વારા સંયુક્ત રીતે કવાયત હાથ ધરવામાં આવી છે. સાંજે સુધીમાં વધુ સ્પષ્ટ અપડેટ મળે તે માટે બંને વિભાગો સતત પ્રયાસ કરી રહ્યા છે. હાલની પ્રાથમિક માહિતી મુજબ રાજકોટથી નેપાળ ગયેલા તમામ લોકો સલામત હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સંપર્ક અને માહિતી એકત્ર કરવાની કામગીરી સતત ચાલુ છે. રાજકોટ જિલ્લામાંથી ૧૫ વાહનો છેલ્લા ૨૦ દિવસથી વાહનોની પરમીટ લઈને ગયા હતા ત્યાં કોઈ ફસાયું હોય તેવા કોઈ સમાચાર નથી.

ઇમર્જન્સી નંબર

  • રાજકોટ: 1077 અથવા 0281 2471573
  • વડોદરા: 7778826034