Loading Please Wait !!!
ભારત ભઠ્ઠીમાં શેકાયું: દિલ્હીથી બંગાળ સુધી પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ ભીષણ હીટવેવની આગાહી

 

  • પશ્ચિમ બંગાળના પાનાગઢમાં 43.8 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ગરમી; ઉત્તર અને મધ્ય ભારતમાં યલો એલર્ટ

  •  25 થી 28 એપ્રિલ સુધી પહાડી રાજ્યોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે; મેદાની વિસ્તારોમાં લૂ ફેંકાશે

  •  યુપી, એમપી અને હરિયાણામાં 26 એપ્રિલ સુધી આકરી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી

    નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના મોટા ભાગોમાં આગામી ૪ થી ૫ દિવસ માટે ગંભીર હીટવેવની ચેતવણી જારી કરી છે. બુધવારે દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. પશ્ચિમ બંગાળના પાનાગઢમાં સૌથી વધુ ૪૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે હાલની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

    ઉત્તર ભારતમાં લૂનો પ્રકોપ IMD ના જણાવ્યા અનુસાર, ૨૪ અને ૨૫ એપ્રિલે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં હીટવેવ ચાલવાની શક્યતા છે. દિલ્હીમાં બુધવારે જ સફદરગંજમાં ૪૦.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી ૩ ડિગ્રી વધારે છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ પારો ઉંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે તાપમાન સામાન્યથી ૪.૫ ડિગ્રી વધારે હોય ત્યારે સત્તાવાર રીતે હીટવેવ જાહેર કરવામાં આવે છે.

    હિમાચલમાં વિપરીત હવામાન એક તરફ મેદાની વિસ્તારો ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ૨૫ થી ૨૮ એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે તોફાન અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. શિમલા સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા આ માટે ‘યલો વોર્નિંગ’ જારી કરવામાં આવી છે. રાજસ્થાનના પિલાની અને કોટા જેવા શહેરોમાં પણ તાપમાન ૪૨ ડિગ્રીથી વધુ રહેતા તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.