Loading Please Wait !!!
બંગાળમાં લોહિયાળ મતદાન: પ્રથમ તબક્કામાં જ બોમ્બમારો અને પથ્થરમારો, મુર્શિદાબાદ અને સિલીગુડીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

 

  • TMC અને ભાજપના કાર્યકરો સામસામે; કેન્દ્રીય સુરક્ષા દળોના મજબૂત બંદોબસ્ત વચ્ચે પણ હિંસાની ઘટનાઓ

  • AJUP ઉમેદવારની મુલાકાત બાદ હિંસક દ્રશ્યો; પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીથી તણાવ વધ્યો

  •  ચૂંટણીના પ્રથમ દિવસે જ બંગાળમાં લોકશાહીનું લજ્જાસ્પદ ચિત્ર; બૂથ કેપ્ચરિંગના આક્ષેપો વચ્ચે હોબાળો

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અપેક્ષા મુજબ જ હિંસા અને તણાવની ઘટનાઓ સામે આવી છે. રાજ્યના મુર્શિદાબાદ અને સિલીગુડી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સવારથી જ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે હિંસક ઘર્ષણ જોવા મળ્યું છે. અનેક જગ્યાએ દેશી બોમ્બ ફેંકવાની ઘટનાઓએ લોકશાહીના પર્વ પર કાળી ટીલી લગાવી છે.

    મુર્શિદાબાદમાં ‘બોમ્બ સંસ્કૃતિ’ યથાવત મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના ઉમેદવાર હુમાયુ કબીરના આગમન સાથે જ મામલો ગરમાયો હતો. TMC કાર્યકરોએ કબીરનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. નોંધનીય છે કે ગઈકાલે રાત્રે એક યુવક પર દેશી બોમ્બ ફેંકવાની ઘટના બની હતી, જેનાથી વિસ્તારમાં ભારે ફફડાટ છે. હુમાયુ કબીરે આ ઘટનાના વિરોધમાં મતદાન મથકની બહાર જ ધરણા શરૂ કરી દીધા છે.

    સિલીગુડીમાં બૂથ પર બબાલ સિલીગુડીમાં જગદીશ ચંદ્ર વિદ્યાપીઠ ખાતે ભાજપના દિગ્ગજ ઉમેદવાર શંકર ઘોષ અને સત્તારૂઢ TMC ના કાર્યકરો વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. બૂથની અંદર અને બહાર બંને પક્ષોએ એકબીજા પર ધાકધમકી આપવાના આક્ષેપો કર્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૂંટણી પંચે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. હાલમાં કેન્દ્રીય સુરક્ષા દળોએ સંવેદનશીલ બૂથો પર મોરચો સંભાળી લીધો છે, પરંતુ છૂટાછવાયા અકસ્માતોને કારણે મતદારોમાં ચિંતા જોવા મળી રહી છે.