મિર્ઝાપુરમાં મહાકાળનો પંજો: મુંડન કરાવી પરત ફરતા પરિવારની બોલેરો ટ્રક સાથે અથડાતા ભડભડ સળગી, માસૂમ સહિત 11ના કરુણ મોત
-
બ્રેક ફેલ થતા ટ્રેલરે મચાવી તબાહી; આગ એટલી ભયાનક હતી કે પરિવારના 9 સભ્યો વાહનમાં જ જીવતા ભૂંજાયા
-
8 વર્ષનો માસૂમ અને તેની માતા સહિત 11 જિંદગીઓ હોમાઈ; મિર્ઝાપુર-રીવા હાઈવે પર અકસ્માતની હારમાળા
-
એસપી અપર્ણા રજત કૌશિક ઘટનાસ્થળે- "કોઈને બચાવવાની તક પણ ન મળી"; યુપી-એમપી બોર્ડર પર શોકનું મોજું
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બુધવારે રાત્રે એક એવી દુર્ઘટના બની જે સાંભળીને કોઈ પણનું કાળજું ધ્રુજી ઉઠે. મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલા એક ટ્રકની બ્રેક ફેલ થતા તેણે રસ્તા પર મોતનું તાંડવ મચાવ્યું હતું. આ અકસ્માતમાં કુલ ૧૧ લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક જ પરિવારના ૯ સભ્યોનો સમાવેશ થાય છે જેઓ પોતાની બોલેરો કારમાં જીવતા ભૂંજાયા હતા.
મુંડનની ખુશીમાં કાળનું ગ્રહણ મૃતકો મિર્ઝાપુરના જિગ્ના વિસ્તારના નરૈના ગામના રહેવાસી હતા. તેઓ મધ્યપ્રદેશના મૈહર ખાતે પોતાના ૮ વર્ષના દીકરાનું મુંડન કરાવીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે ૯:૩૦ વાગ્યાની આસપાસ ડ્રમડગંજ પાસે ઢાળ પર એક બેકાબૂ ટ્રકે પહેલા સ્વિફ્ટ કારને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવતા અન્ય ટ્રક સાથે અથડાયો. આ જ સમયે પાછળથી આવી રહેલી બોલેરો કાર સીધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી અને જોતજોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
બચાવની કોઈ તક ન મળી આગ એટલી પ્રચંડ હતી કે બોલેરોમાં સવાર માસૂમ બાળક, તેની માતા અને ડ્રાઈવર સહિતના તમામ ૯ લોકો અંદર જ ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોના પહોંચે તે પહેલા જ આખો પરિવાર આગની લપેટમાં આવી ગયો હતો. એસપી અપર્ણા રજત કૌશિક અને પોલીસ કાફલાએ ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં માત્ર મૃતદેહો જ બચ્યા હતા. આ ઘટનાને પગલે નરૈના ગામમાં માતમ છવાઈ ગયો છે અને આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.