AI સેક્ટરમાં મહાસંગ્રામ: ઇલોન મસ્કની સ્પેસએક્સ અને કર્સર વચ્ચે ₹5 Lakh Crore નો ઐતિહાસિક કરાર, OpenAI-Anthropic ને ટક્કર આપશે
-
નેક્સ્ટ જનરેશન કોડિંગ AI માટે હાથ મિલાવ્યા- 'કોલોસસ' સુપર કોમ્પ્યુટરથી સજ્જ થશે કર્સર
-
કોડિંગ અને નોલેજ વર્ક AI માં ક્રાંતિ લાવવા વ્યૂહાત્મક ભાગીદારી; એડવાન્સ GPU ક્લસ્ટરનો મળશે લાભ
-
માઈક્રોસોફ્ટના ગિટહબ કોપાઈલટ સામે મસ્કનો નવો પડકાર- અદ્યતન એઆઈ મોડલ્સની ટ્રેનિંગ થશે તેજ
કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગણાતો સોદો થવાના એંધાણ મળી રહ્યા છે. ઈલોન મસ્કની અવકાશ સંશોધન કંપની સ્પેસએક્સ (SpaceX) એ AI કોડિંગ સ્ટાર્ટઅપ કંપની ‘કર્સર’ (Cursor) સાથે વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ કરારમાં 60 અબજ ડોલર (અંદાજે ₹5 લાખ કરોડ) માં કંપની ખરીદવાનો વિકલ્પ સામેલ છે, જે ટેક સેક્ટરના સૌથી મોટા સોદાઓમાંનો એક સાબિત થશે. રિપોર્ટ મુજબ, આ ભાગીદારીમાં 10 અબજ ડોલરના જોઈન્ટ ડેવલપમેન્ટની પણ જોગવાઈ રાખવામાં આવી છે.
નેક્સ્ટ જનરેશન કોડિંગ અને નોલેજ વર્ક આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય OpenAI અને એન્થ્રોપિક જેવી જાયન્ટ કંપનીઓને ટક્કર આપવાનો છે. કરાર હેઠળ બંને કંપનીઓ સાથે મળીને નેક્સ્ટ જનરેશન કોડિંગ અને નોલેજ વર્ક AI વિકસાવશે. કર્સર અત્યારે ફાઈનાન્સ અને ટેક સેક્ટરની ટોચની કંપનીઓને પોતાની સેવાઓ પૂરી પાડે છે. આ કરાર બાદ સ્પેસએક્સ એઆઈ આધારિત કોડિંગ ટૂલ્સના ઝડપથી વિકસતા માર્કેટમાં અત્યંત મજબૂત પકડ જમાવી શકશે.
કોલોસસ સુપર કોમ્પ્યુટરનો પાવર આ કરારની સૌથી મહત્વની કડી એ છે કે કર્સરને સ્પેસએક્સની વિશાળ કમ્પ્યુટિંગ સુવિધાઓનો સીધો લાભ મળશે. જેમાં ‘કોલોસસ’ (Colossus) નામના વિશ્વના અદ્યતન સુપર કોમ્પ્યુટર ક્લસ્ટરનો સમાવેશ થાય છે. આ સુપર કોમ્પ્યુટર અત્યાધુનિક GPU પર આધારિત છે, જે કર્સરના જટિલ AI મોડલ્સને ટ્રેન કરવામાં મદદરૂપ થશે. આ કમ્પ્યુટિંગ પાવરથી કર્સરના એઆઈ ટૂલ્સ વધુ ઝડપી અને સચોટ બનશે.
IPO અને એઆઈ ઇકોસિસ્ટમ નિષ્ણાતો માને છે કે ઈલોન મસ્ક સ્પેસએક્સના સંભવિત આઈપીઓ (IPO) પહેલા કંપનીની એઆઈ ઇકોસિસ્ટમને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે. સ્પેસએક્સે તાજેતરમાં જ મસ્કની અન્ય એઆઈ કંપની xAI ને પોતાની કામગીરીમાં સામેલ કરી હતી. હવે કર્સર સાથેની આ ભાગીદારી સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કોડિંગની દુનિયામાં એક નવો માઈલસ્ટોન સ્થાપશે. આ સોદો સફળ થશે તો તે ટેક ક્ષેત્રમાં ઈલોન મસ્કનું વર્ચસ્વ અનેકગણું વધારી દેશે.