Loading Please Wait !!!
મધ્ય પૂર્વમાં યુદ્ધના એંધાણ: ભારતીય દૂતાવાસે ઈરાન માટે જારી કરી કડક એડવાઈઝરી, "ભારતીયો તાત્કાલિક દેશ છોડે"

 

  • અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ- ઈરાનની યાત્રા ન કરવા દૂતાવાસની લાલબત્તી; સંપર્ક નંબર જારી કરાયા

  •  ટ્રમ્પના કડક વલણ બાદ સ્થિતિ સ્ફોટક- શંકાસ્પદ ઈરાની બોટને નષ્ટ કરવા અમેરિકી નૌસેનાને અપાયા આદેશ

  • પ્રાદેશિક તણાવથી હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણો- આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર સંકટના વાદળો; ભારતીય નાગરિકોમાં ચિંતા

    નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવને પગલે તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક નવી અને અત્યંત કડક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી છે. આ સાથે જ અત્યારે ઈરાનમાં વસવાટ કરી રહેલા અથવા પ્રવાસ પર ગયેલા તમામ ભારતીયોને સુરક્ષિત રીતે દેશ છોડીને બહાર નીકળી જવા માટે નિર્દેશ આપ્યો છે.

    ભારતીય દૂતાવાસે પોતાની સત્તાવાર એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, 'વર્તમાન પરિસ્થિતિ જોતા ભારતીય નાગરિકો હવાઈ અથવા જમીની માર્ગે ઈરાનની મુસાફરી કરવાનું ટાળે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દૃષ્ટિએ જોખમી સાબિત થઈ શકે છે.' પ્રાદેશિક તણાવને કારણે અનેક વિસ્તારોમાં હવાઈ ક્ષેત્ર (Airspace) પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંચાલનમાં મોટા પડકારો ઉભા થયા છે. દૂતાવાસે ત્યાં હાજર નાગરિકોને સતત સંપર્કમાં રહેવા અને સત્તાવાર સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરી છે.

    આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાના જોખમો વધતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે અમેરિકન નૌસેનાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો સમુદ્રમાં કોઈપણ ઈરાની બોટ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ જણાય, તો તેને તાત્કાલિક અસરથી નષ્ટ કરી દેવી. આ ઉપરાંત, દરિયાઈ માર્ગો પરથી સુરંગો (Mines) હટાવવાના અભિયાનને પણ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. અમેરિકાના આ કડક આદેશો બાદ મધ્ય પૂર્વમાં ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે.

    ભારતીય દૂતાવાસે સ્થિતિની ગંભીરતાને પારખીને ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કર્યા છે. ઈરાનમાં રહેલા વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થાને ખસી જવા અથવા વહેલી તકે ભારત પરત ફરવાની તૈયારી કરવા જણાવાયું છે. ખાસ કરીને જેલ અને તેહરાન જેવા મુખ્ય શહેરોમાં રહેતા ભારતીયોને અત્યંત સાવધાની રાખવા સૂચના અપાઈ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સરકાર પણ આ મામલે સતત નજર રાખી રહી છે જેથી કોઈ પણ ભારતીય નાગરિકને જાનમાલનું નુકસાન ન થાય.