મલક્કા સ્ટ્રેટમાં ‘ટોલ બૂથ’ સ્થાપવાની હિલચાલ: ઇન્ડોનેશિયાના પ્રસ્તાવથી ભારતનો 60% દરિયાઈ વેપાર જોખમમાં!
-
સુએઝ નહેરની જેમ ટેક્સ વસૂલવાની તૈયારી- આયાતી ગેસ, કોલસો અને ઇલેક્ટ્રોનિક્સ મોંઘા થવાની ભીતિ; સિંગાપોરે નોંધાવ્યો સખત વિરોધ
-
ઇન્ડોનેશિયાનો તર્ક: "હજારો જહાજો મફતમાં કેમ પસાર થાય?"- પૂર્વ એશિયા સાથેના વેપારમાં નૂર ખર્ચ વધવાની શક્યતા
-
આંતરરાષ્ટ્રીય જળસીમાના નિયમોનું ઉલ્લંઘન? ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક સુરક્ષાનો મોટો પડકાર
નવી દિલ્હી : વૈશ્વિક સમુદ્રી વેપારના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક માર્ગ ગણાતી મલક્કા સ્ટ્રેટ (Strait of Malacca) પર ટોલ ટેક્સ વસૂલવાની ઇન્ડોનેશિયાની હિલચાલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. ઇન્ડોનેશિયાના નાયબ નાણામંત્રી પુરાબાયા યુધિ સદેવાએ સંકેત આપ્યો છે કે, તેમનો દેશ આ માર્ગ પરથી પસાર થતા વ્યાપારી જહાજો પર ફી લાદવાનું વિચારી રહ્યો છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક રીતે મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે તેમ છે.
ઇન્ડોનેશિયાનો તર્ક છે કે જે રીતે સુએઝ નહેર અને પનામા નહેર પર પસાર થતા જહાજો પાસેથી વસૂલાત કરવામાં આવે છે, તે જ તર્જ પર મલક્કા સ્ટ્રેટનો ઉપયોગ કરનારા જહાજોએ પણ ફી ચૂકવવી જોઈએ. જોકે, ભૌગોલિક રીતે આ માર્ગ ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર વચ્ચે વહેંચાયેલો હોવાથી સિંગાપોરે આ દરખાસ્તનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણને જણાવ્યું છે કે, સમુદ્રી માર્ગો પર નેવિગેશનનો અધિકાર તમામનો છે અને ટોલ લાદવો એ આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
ભારત માટે આ માર્ગ ‘લાઈફલાઈન’ સમાન છે કારણ કે દેશનો અંદાજે ૫૫% થી ૬૦% દરિયાઈ વેપાર આ કોરિડોરમાંથી જ પસાર થાય છે. જો અહીં ટોલ ટેક્સ લાગુ કરવામાં આવે તો ભારત દ્વારા આયાત કરવામાં આવતા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG), કોલસો અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. પૂર્વ એશિયા અને ASEAN દેશોમાં માલ મોકલવા માટે ભારતીય નિકાસકારોએ પણ વધુ નૂર ખર્ચ ચૂકવવો પડશે.
વ્યૂહાત્મક દૃષ્ટિએ જોઈએ તો, ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ આ સામુદ્રધુનીની અત્યંત નજીક છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો આર્થિક અવરોધ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ પોલિસી અને પૂર્વીય દેશો સાથેના વેપારને સીધી અસર કરી શકે છે. હાલમાં આ દરખાસ્ત પ્રારંભિક તબક્કે છે, પરંતુ જો ઇન્ડોનેશિયા પોતાની જીદ પર અડગ રહેશે તો ભારત અને અન્ય અસરગ્રસ્ત દેશોએ આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવવો પડશે. વૈશ્વિક વેપારના ૨૫% થી ૪૦% હિસ્સા પર આ ટોલની સીધી અસર પડશે, જે આગામી સમયમાં આર્થિક સુરક્ષા માટે મોટો પડકાર બની રહેશે.