ભારતના બેન્કિંગ સેક્ટર પર AI નો ખતરો: એન્થ્રોપિકના ‘માયથોસ’ ટુલથી નાણામંત્રી ચિંતામાં, હાઈ-ડીગ્રી વિજીલન્સના આદેશ
-
73% એક્સપર્ટ હેકિંગ ક્ષમતા ધરાવતું આ મોડેલ સિસ્ટમની દાયકાઓ જૂની ખામીઓ ક્ષણભરમાં શોધી કાઢશે
-
અમેરિકી સરકાર પણ ફફડી- સામાન્ય યુઝર્સ માટે નહીં પણ માત્ર ટેક જાયન્ટ્સ માટે જ મર્યાદિત રખાયું આ પાવરફુલ ટુલ
-
RBI અને NPCI સાથે હાઈ-લેવલ બેઠક; કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો સીધી CERT-In ને જાણ કરવા આદેશ
નવી દિલ્હી : અમેરિકન કંપની એન્થ્રોપિક દ્વારા વિકસાવવામાં આવેલા લેટેસ્ટ AI ટુલ ‘માયથોસ’ (Mythos) ની હેકિંગ ક્ષમતાને લઈને ભારત સરકાર હરકતમાં આવી છે. આ ટુલ કોઈ પણ સોફ્ટવેર સિસ્ટમમાં દાયકાઓ જૂની ખામીઓ આપમેળે શોધી શકવાની ૭૩% ક્ષમતા ધરાવે છે, જે સાયબર સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને સરકારી એકમોને ‘હાઈ-ડીગ્રી વિજીલન્સ’ એટલે કે સર્વોચ્ચ તકેદારી રાખવા ખાસ તાકીદ કરી છે.
હેકર્સ માટે આશીર્વાદ, સુરક્ષા માટે પડકાર એન્થ્રોપિકના આ નવા મોડેલને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી AI ટુલ માનવામાં આવે છે. આ ટેકનોલોજી એટલી સંવેદનશીલ છે કે અમેરિકી સરકારે પણ તેને સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવાને બદલે માત્ર ગૂગલ, મેટા અને એમેઝોન જેવી મર્યાદિત કંપનીઓ પૂરતું જ સીમિત રાખવા ફરમાન કર્યું છે. જો આ ટુલનો દુરુપયોગ થાય તો તે બેન્કિંગ અને નાણાકીય વ્યવહારોમાં મોટા પાયે હેકિંગ કરી શકે છે. આ જોખમનો તાગ મેળવવા નાણામંત્રીએ તાજેતરમાં એક મહત્વની બેઠક યોજી હતી.
શ્રેષ્ઠ નિષ્ણાંતોને રોકવા આદેશ આ બેઠકમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રિઝર્વ બેન્ક (RBI), NPCI અને ઈન્ડિયન બેન્ક એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. નાણામંત્રીએ ઈન્ડિયન બેન્ક એસોસિએશનને આદેશ આપ્યો છે કે આ પ્રકારના ખતરા સામે લડવા તાત્કાલિક મેકેનિઝમ તૈયાર કરવામાં આવે અને જરૂર જણાય તો શ્રેષ્ઠ સાયબર સિક્યોરિટી નિષ્ણાંતોની મદદ લેવી. બેન્કોને રિયલ-ટાઈમ થ્રેટ ઈન્ટેલીજન્સ ડેટા શેર કરવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ ‘CERT-In’ ને જાણ કરવા જણાવાયું છે.
આઈટી કંપનીઓમાં હચમચાટ અગાઉ એન્થ્રોપિકના ‘ક્લોડ એઆઈ’ (Claude AI) એ આઈટી ક્ષેત્રે મોટો બદલાવ લાવ્યો હતો, પરંતુ ‘માયથોસ’ નું પ્રીવ્યુ મોડેલ તેનાથી અનેકગણું જોખમી છે. આ મોડેલ એક્સપર્ટ લેવલ હેકિંગ જાતે જ કરી શકતું હોવાથી તે સુરક્ષા સીમાઓ તોડવામાં માહેર છે. ભારત સરકાર આ બાબતે એન્થ્રોપિક કંપની સાથે પણ સંપર્કમાં છે. હાલમાં દેશની તમામ નાણાકીય સંસ્થાઓને પોતાની ડિજિટલ સુરક્ષામાં કોઈ પણ છીંડા ન રહે તે માટે કિલ્લેબંધી કરવા સૂચના આપવામાં આવી છે.