Loading Please Wait !!!
રક્ષાબંધન 2026: 28 August ના રોજ રાખડી બાંધવા માટે ભદ્રાનું વિઘ્ન નહીં

 

  • વર્ષ 2026 માં રક્ષાબંધનનું પવિત્ર પર્વ 28 August શુક્રવારના રોજ મનાવાશે

  • આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો કોઈ પ્રભાવ કે અવરોધ રહેશે નહીં

  • વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી સૂતક લાગુ થશે નહીં

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, અખૂટ વિશ્વાસ અને પરસ્પર સુરક્ષાની કામનાનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર વર્ષ 2026 માં 28 August ના રોજ શુક્રવારે દેશભરમાં શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે. રક્ષાબંધનની સાચી તારીખને લઈને લોકોના મનમાં 27 કે 28 August અંગે રહેલી અસમંજસ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ સુદ પૂનમની તિથિ 28 August ના રોજ માન્ય રહેશે.

આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર એક અત્યંત દુર્લભ અને શુભ સંયોગ રચાઈ રહ્યો છે. શ્રાવણી પૂનમના દિવસે શતભિષા નક્ષત્ર, સુકર્મા યોગ તેમજ મીન રાશિમાં ચંદ્રમાનો વિશેષ સંયોગ બની રહ્યો છે, જે ભાઈ-બહેનના સંબંધોમાં સ્નેહ અને સમૃદ્ધિ વધારનારો માનવામાં આવે છે.

આ વર્ષની સૌથી મોટી અને રાહતરૂપ બાબત એ છે કે રાખડી બાંધવાના સમયે ભદ્રાનો કોઈ નકારાત્મક પ્રભાવ કે વિઘ્ન રહેશે નહીં. બહેનો કોઈપણ પ્રકારના ભદ્રાકાળના ભય વિના દિવસ દરમિયાન પોતાના ભાઈના કાંડા પર પ્રેમપૂર્વક રક્ષાસૂત્ર બાંધી શકશે.

બીજી તરફ, આ જ દિવસે વર્ષનું છેલ્લું ઉપચ્છાયા ચંદ્રગ્રહણ પણ થવાનું છે, જેનો કુલ સમયગાળો આશરે 5 કલાક અને 38 મિનિટનો રહેશે. જોકે, ખગોળીય અને ધાર્મિક દ્રષ્ટિએ આ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાંય પણ દ્રશ્યમાન થવાનું નથી. ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોવાના કારણે તેનો કોઈપણ ધાર્મિક સૂતક કાળ કે દોષ અહીં માન્ય રહેશે નહીં.

આથી દેશભરના તમામ શ્રદ્ધાળુઓ અને પરિવારો કોઈપણ પ્રકારની ધાર્મિક આશંકા કે વહેમ રાખ્યા વગર 28 August ના સમગ્ર દિવસ દરમિયાન શુભ મુહૂર્ત, અમૃત અને શુભ ચોઘડિયામાં રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી શકશે.

રક્ષાબંધન 28 August ના રોજ ઉજવાશે

વર્ષ 2026 માં રક્ષાબંધનનું પર્વ 28 August ના રોજ ઉજવાશે. આ દિવસે ભદ્રાનું વિઘ્ન રહેશે નહીં. જોકે 5 કલાક 38 મિનિટનું વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં જેથી સૂતક લાગશે નહીં. શતભિષા નક્ષત્ર અને સુકર્મા યોગમાં બહેનો દિવસભર નિર્ભયપણે ભાઈને રક્ષાસૂત્ર બાંધી શકશે.