Loading Please Wait !!!
રક્ષાબંધન 2026: ભદ્રા વગર ઉજવાશે તહેવાર, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

  • ઉદયા તિથિ મુજબ 28 August, શુક્રવારે દેશભરમાં રક્ષાબંધન પર્વ ઉજવાશે

  • ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જતાં રાખડી બાંધવામાં કોઈ વિઘ્ન નહીં

  • આંશિક ચંદ્રગ્રહણ ભારતમાં અદ્રશ્ય રહેવાથી સૂતક કાળની માન્યતા રહેશે નહીં

સિટી ન્યુઝ @ અમદાવાદ

ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પવિત્ર સંબંધનું પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 28 August 2026, શુક્રવારના રોજ દેશભરમાં ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. શ્રાવણ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ બહેનો પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમના દીર્ઘાયુષ્ય તેમજ સુખ-સમૃદ્ધિની મંગલ કામના કરે છે.

પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 27 August ના રોજ સવારે 9:08 વાગ્યાથી શરૂ થઈને 28 August ના રોજ સવારે 9:48 વાગ્યા સુધી ચાલશે. સનાતન ધર્મની ઉદયા તિથિની માન્યતા મુજબ રક્ષાબંધન 28 August ના રોજ જ ઉજવાશે. આ વર્ષે સૌથી મોટી રાહતની વાત એ છે કે ભદ્રા કાળ સૂર્યોદય પૂર્વે જ પૂર્ણ થઈ જતો હોવાથી રાખડી બાંધવામાં ભદ્રાની કોઈ બાધા કે નડતર રહેશે નહીં.

આ ઉપરાંત 28 August ના રોજ સવારે 6:53 થી બપોરે 12:31 દરમિયાન આંશિક ચંદ્રગ્રહણ પણ થવાનું છે. જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થવાનું ન હોવાથી તેનો કોઈ સૂતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં, જેથી ગ્રહણના કારણે રાખડી બાંધવા કે ધાર્મિક પૂજન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

પંચક અંગે જ્યોતિષીય વિશ્લેષણ મુજબ 27 August ના રોજ બપોરે 1:35 વાગ્યાથી શરૂ થઈને 1 September ના સવારે 3:24 વાગ્યા સુધી પંચક રહેશે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ ગુરુવારથી શરૂ થતું પંચક દોષરહિત ગણાય છે, અને પંચક દરમિયાન પૂજા-અર્ચના, જપ, ધ્યાન તેમજ રક્ષાબંધન જેવા ધાર્મિક મંગલ કાર્યો કરવા પર કોઈ નિષેધ હોતો નથી.

ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધવા માટેનો સર્વશ્રેષ્ઠ અને મુખ્ય શુભ સમય 28 August ના રોજ સવારે 5:57 વાગ્યાથી સવારે 9:48 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન પૂર્ણિમા તિથિ હોવાથી બહેનોને રાખડી બાંધવા માટે આશરે 3 કલાક અને 51 મિનિટનો ઉત્તમ સમય મળશે. સવારે 10:46 થી બપોરે 12:22 દરમિયાન રાહુકાળ હોવાથી સવારે 9:48 વાગ્યા પૂર્વે રાખડી બાંધી લેવી સૌથી શ્રેષ્ઠ રહેશે.

રક્ષાબંધન: સવારે 9:48 પહેલાં રાખડી બાંધવી ઉત્તમ

રક્ષાબંધન 28 August ના રોજ ઉજવાશે. આ વખતે ભદ્રા સૂર્યોદય પહેલાં પૂરી થઈ જશે અને ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી સૂતક લાગશે નહીં. પંચક હોવા છતાં રક્ષાબંધનની ઉજવણી નિર્વિઘ્ને થઈ શકશે. રાખડી બાંધવાનું શ્રેષ્ઠ શુભ મુહૂર્ત સવારે 5:57 થી 9:48 વાગ્યા સુધીનું રહેશે.