સિંધુના પાણી માટે પાકિસ્તાન ફરી કરગર્યું: 25 કરોડ લોકોના જીવનનો હવાલો આપી માંગી મદદ
-
એપ્રિલ 2025 ના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી
-
અમેરિકામાં વર્ચ્યુઅલ સેમિનાર દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડારે કરી રાવ
-
સિંધુ નદી પ્રણાલી પાકિસ્તાનની કૃષિ, વીજળી અને ખાદ્ય સુરક્ષાની મુખ્ય જીવનરેખા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) પર ભારત સરકારના કડક અને અડગ વલણને કારણે પાકિસ્તાનમાં સર્જાયેલી પાણીની ભારે અછત વચ્ચે પાડોશી દેશે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ આજીજી કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા સ્થિત પાકિસ્તાની દૂતાવાસ દ્વારા આયોજિત એક સેમિનારમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે સિંધુ નદી પ્રણાલી પાકિસ્તાનના 25 કરોડ લોકોની મુખ્ય જીવનરેખા છે. તેમણે એપ્રિલ 2025 માં ભારત દ્વારા આ સંધિ સ્થગિત કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી વૈશ્વિક સમુદાયને આ મામલે મધ્યસ્થતા કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ સરહદ પારના હુમલા બાદ ભારતે "લોહી અને પાણી ક્યારેય એકસાથે વહી શકે નહીં" તેવા સ્પષ્ટ સંદેશ સાથે સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી ચાલતા ભારત વિરોધી આતંકવાદી માળખાનો કાયમી ખાતમો નહીં કરે, ત્યાં સુધી આ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.
પાકિસ્તાની વિદેશ મંત્રીએ સ્વીકાર્યું છે કે દેશની કૃષિ, અન્ન સુરક્ષા, વીજ ઉત્પાદન અને સમગ્ર અર્થતંત્ર સિંધુ નદીના પ્રવાહ પર જ નિર્ભર છે. પાણીની અછતને કારણે પાકિસ્તાનમાં આર્થિક અને સામાજિક કટોકટી વધુ ઘેરી બની છે. જોકે, એક તરફ કરગરવાની સાથે પાકિસ્તાન સંધિ પૂર્વવત્ત ન થવા પર દક્ષિણ એશિયાની શાંતિ જોખમાવાની આડકતરી ધમકીઓ પણ આપી રહ્યું છે.
પાકિસ્તાનની તમામ વિનંતીઓ અને દબાણ છતાં નવી દિલ્હી પોતાના રાષ્ટ્રીય સુરક્ષા હિતો સાથે કોઈ બાંધછોડ ન કરવાના નિર્ણય પર મક્કમ છે. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદને આશ્રય આપીને દ્વિપક્ષીય જળ સહયોગની અપેક્ષા રાખી શકાય નહીં.
સિંધુના પાણી માટે પાકિસ્તાન કરગર્યું
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતાં પાકિસ્તાનમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. 25 કરોડ લોકોની જીવાદોરી ગણાવી પાકિસ્તાને વૈશ્વિક મધ્યસ્થતા માંગી છે. ભારતે "લોહી અને પાણી સાથે ન વહી શકે" ના મક્કમ વલણ સાથે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ નાબૂદ થયા વિના સંધિ ફરી શરૂ નહીં થાય.