Loading Please Wait !!!
પેક્ડ ફૂડ પર લાલ રંગમાં ચેતવણી ફરજિયાત: ખાંડ, મીઠું અને ફેટ વધુ હશે તો પેકેટ પર લખવું પડશે

 

  • જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંચ સમક્ષ FSSAI એ નવો લેબલિંગ પ્લાન રજૂ કર્યો

  • પેકેટના ન્યુટ્રિશન ટેબલ કરતાં 1 પોઈન્ટ મોટા ફોન્ટ સાઈઝમાં લાલ રંગની ચેતવણી છાપવી પડશે

  • '3S એન્ડ અવર હેલ્થ સોસાયટી' NGO ની જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશમાં પેક્ડ ફૂડનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ FSSAI એ જસ્ટિસ જે.બી. પારડીવાલાની આગેવાની હેઠળની ખંડપીઠ સમક્ષ 6 પાનાનું વિસ્તૃત સોગંદનામું રજૂ કરીને નવો એક્શન પ્લાન રજૂ કર્યો છે. જે મુજબ, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખાંડ, ફેટ (ચરબી) કે મીઠું ધરાવતા તમામ પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના આગળના ભાગે લાલ રંગમાં સ્પષ્ટ ચેતવણી દર્શાવવી ફરજિયાત બનશે.

ગ્રાહકો પેકેટ જોતાં જ તેની ગુણવત્તા અને જોખમ ઓળખી શકે તે માટે આ ચેતવણી ખાસ ષટ્કોણ (Hexagon) આકારના ચિહ્નમાં 'હાઈ શુગર', 'હાઈ ફેટ' અને 'હાઈ સોલ્ટ' તરીકે દર્શાવવાની રહેશે. FSSAI ના પ્રસ્તાવ મુજબ, આ લાલ ચેતવણીનો ફોન્ટ સાઈઝ પેકેટની પાછળ અપાતા સામાન્ય ન્યુટ્રિશન ટેબલ કરતાં ઓછામાં ઓછો 1 પોઈન્ટ મોટો રાખવો પડશે. દેશની સર્વોચ્ચ અદાલત હાલમાં '3S એન્ડ અવર હેલ્થ સોસાયટી' નામની NGO દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર આ સુનાવણી કરી રહી છે.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોડક્ટ્સની ફોર્મ્યુલા સુધારવા માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી આ નિયમો 2 અલગ-અલગ તબક્કામાં અમલી બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવા પેકેટ્સ આવરી લેવાશે જેમાં 2 કે તેથી વધુ તત્વો (જેમ કે એડેડ શુગર અને ફેટ) વધુ માત્રામાં હોય, જ્યારે બીજા તબક્કામાં કોઈ 1 જ તત્વ વધુ માત્રામાં હોય તેવા ઉત્પાદનોનો સમાવેશ થશે.

આ નવા નિયમમાંથી સિંગલ-ઈન્ગ્રીડિયન્ટ એટલે કે માત્ર એક જ ઘટકમાંથી બનતા અને કુદરતી રીતે ચરબી કે ગળપણ ધરાવતા પદાર્થોને મુક્તિ આપવામાં આવી છે. જેમાં શુદ્ધ ઘી, ખાદ્ય તેલ, ગોળ અને કુદરતી મધ જેવી ચીજોનો સમાવેશ થાય છે. જોકે આ ઉત્પાદનોએ ખાદ્ય સુરક્ષાના સામાન્ય નિયમોનું પાલન કરવાનું રહેશે.

પેક્ડ ફૂડ પર લાલ ચેતવણી ફરજિયાત

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ FSSAI એ જણાવ્યું કે વધુ ખાંડ, મીઠું કે ફેટ ધરાવતા પેકેજ્ડ ફૂડ પર ષટ્કોણ ચિહ્નમાં લાલ રંગની ચેતવણી દર્શાવવી ફરજિયાત બનશે. તેનો ફોન્ટ સાઈઝ સામાન્ય ન્યુટ્રિશન ચાર્ટ કરતાં 1 પોઈન્ટ મોટો રહેશે. આ નિયમ 2 તબક્કામાં લાગુ થશે, જ્યારે ઘી, તેલ, ગોળ અને મધને આ ચેતવણીમાંથી મુક્તિ અપાઈ છે.