Loading Please Wait !!!
રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ઘેર્યા. કોંગ્રેસ બાંગ્લાદેશની જેમ સત્તા પરિવર્તનનું સપનું જોવે.

 

  • રાહુલનો હાઇડ્રોજન બોમ્બ સામાન્ય ફટાકડો પણ નથી.

  • વિપક્ષ દેશની બંધારણીય સંસ્થાઓને બદનામ કરે છે.

  • લોકશાહી અરાજકતા ફેલાવવાનું કોઈ લાયસન્સ નથી.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા એસઆઈઆર અને ચૂંટણી પંચના વિરોધને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. લખનૌમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની સંસ્થાઓને બદનામ કરવાની અને બાંગ્લાદેશની જેમ દેશમાં 'સત્તા પરિવર્તન' (રેજીમ ચેન્જ) લાવવાની ષડયંત્રરૂપી કોશિશ કરી રહ્યા છે.

રાજનાથ સિંહે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ મતોની ચોરીનો મોટો દાવો કરીને જેને 'હાઈડ્રોજન બોમ્બ' ગણાવ્યો હતો, તે વાસ્તવમાં દિવાળીના સામાન્ય ફટાકડા કરતાં પણ સાવ નબળો સાબિત થયો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ઉત્તર પ્રદેશમાં વર્ષ ૧૯૯૫થી કોંગ્રેસને જીત નથી મળી, તો આ મામલો "મતોની ચોરી"નો હતો કે પછી કોંગ્રેસની "કામચોરી"નો હતો? લોકશાહીમાં અસંમતિ વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈને પણ દેશમાં અરાજકતા ફેલાવવાનું કે બંધારણીય સંસ્થાઓ પર હુમલો કરવાનું લાયસન્સ મળી ગયું છે. આ પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિપક્ષી ષડયંત્ર નિષ્ફળ જશે, સંરક્ષણ મંત્રીની ચેતવણી!
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ દેશમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જીને સત્તા પરિવર્તન લાવવા માગે છે. રાહુલના દાવાઓને 'ફટાકડા' સમાન ગણાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં અરાજકતા ફેલાવવાનું કોઈને લાયસન્સ નથી અને બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય.