રાજકોટમાં 319 વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા મળી. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના જીવનમાં નવી સવાર.
-
પાંચમા નોરતે વિસ્થાપિતો માટે દિવાળી જેવું પર્વ.
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રમાણપત્રો સોંપ્યા.
-
વર્ષોના સંઘર્ષ બાદ ગર્વથી નાગરિકો બન્યા.
સિટી ન્યુઝ @ રાજકોટ
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા 319 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ "મુસ્કુરાઈએ આજ સે આપ સબ ભારત કે નાગરિક હૈ.." ના શબ્દો સાથે વિસ્થાપિતોને નાગરિકતા સોંપતાની સાથે જ સમગ્ર સભામાં ભારે ભાવુક માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત લોકોની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના 259, મોરબીના 53, કચ્છના 6 અને સુરેન્દ્રનગરના 1 નાગરિકો સહિત કુલ 319 લોકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. વિસ્થાપિત પરિવારો માટે શારદીય નવરાત્રીનો આ પાવન દિવસ દિવાળીના તહેવાર સમાન સાબિત થયો હતો, કારણ કે વર્ષોની યાતનાઓ અને સંઘર્ષ બાદ હવે તેઓ પોતાના સાચા નામે આજીવન વટભેર જીવી શકશે.
પાકિસ્તાનના થરપારકર અને હૈદરાબાદમાં અત્યાચાર સહન કરીને ભારત આશ્રય લેનાર નાગરિકોએ પોતાની આપવીતી વર્ણવતા સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે એક કિશોરીએ નાયબ મુખ્યમંત્રીના ભાલે કુમકુમ તિલક કરીને હાથમાં રાખડી બાંધીને આભારની લાગણી વ્યક્ત કરી હતી, જેણે આ સમગ્ર આયોજનને વધુ ભાવનાત્મક બનાવી દીધું હતું.
સાંસદ પરશોત્તમ રૂપાલાએ સી.એ.એ. (CAA) કાયદાને કેન્દ્ર સરકારનો અત્યંત માનવતાવાદી અભિગમ ગણાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નહીં પરંતુ વર્ષો પહેલાં નિરાધાર બનેલા લોકોને સન્માન આપવા માટે છે. સેન્સસ ઓપરેશન્સના ડિરેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ કાયદા હેઠળ 1500થી વધુ લોકોને નાગરિકતા પ્રદાન કરવામાં આવી ચૂકી છે.
કાર્યક્રમના અંતે રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી અને તમામ લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઐતિહાસિક અવસરે મેયર ડૉ. નેહલ શુક્લ, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શરણાર્થીઓ માટે નવરાત્રી બની ગઈ અસલી દિવાળી!
રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા 319 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દસ્તાવેજો મેળવ્યા બાદ શરણાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને આ દિવસ તેમના માટે દિવાળી સમાન બની ગયો હતો. સીએએ કાયદાના માધ્યમથી મળેલી આ નવી ઓળખથી વિસ્થાપિત પરિવારો વર્ષોની યાતનાઓ ભૂલીને હવે ભારતમાં સન્માનભેર પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે.
પાકિસ્તાનના પાસપોર્ટ કરતા રાજકોટના ગરબા પાસનું મૂલ્ય વધુ : નાયબ મુખ્યમંત્રીનો કટાક્ષ
લૂંટ-હત્યા કેસમાં આરોપીઓને ર4 કલાકમાં દબોચી લેવાની કામગીરીને બિરદાવાઇ
રાજકોટ, તા.16
રાજકોટ ખાતે 319 શરણાર્થીઓને ભારતીય નાગરિક અધિકારપત્રો અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાના પાસનું મૂલ્ય વધુ હોવાનો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં થયેલી સોનાની લૂંટ અને હત્યા કેસના આરોપીઓને અલગ અલગ દિશાઓમાંથી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી લેવાની રાજકોટ શહેર પોલીસ કમિશનર, શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ અન્ય જિલ્લાની પોલીસનો આભાર પણ નાયબ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો.
આ સાથે તેમણે કહ્યું હતું કે, આરોપીઓને 24 કલાકમાં પકડી લેવાના સંકલ્પ સાથે રાજકોટ પોલીસ તથા અન્ય જિલ્લાની પોલીસની 50 જેટલી ટીમોએ રાતદિવસ કામ કર્યું છે. રાજકોટ પોલીસે ખડેપગે કામ કરીને નાગરિકોના ગરબાના આયોજનને પણ આંચ ન આવવા દીધી અને આરોપીઓને પણ પકડી લીધા. આ વિશેષ સફળતા બદલ તેમણે પોલીસને ખાસ બિરદાવી હતી.
ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવીને તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી.