Loading Please Wait !!!
ઇરાન સંકટના કારણે દેશમાં મોંઘવારી અતિશય વધી. છૂટક મોંઘવારી 23 મહિનાના સૌથી ઊંચા સ્તરે.

  • જથ્થાબંધ મોંઘવારી દર વધીને 11.39 ટકા થયો.

  • ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર પણ વધ્યો.

  • આગામી દિવસોમાં મોંઘવારી હજુ વધુ વધવાની આશંકા.

 સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ઇરાન સંકટના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં લાગેલી આગ અને મોંઘવારીને કારણે દેશમાં સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી રહી છે. ઈંધણ, ફેક્ટરીઓમાં બનતો સામાન, ખાવા-પીવાની ચીજો, અનાજ, કપડાં તેમજ વાહનવ્યવહાર અને માલ-સામાનની હેરફેર મોંઘી થવાથી સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી ૨૩ મહિનાનાં સૌથી ઊંચા સ્તરે એટલે કે ૫.૫૪ ટકા પર પહોંચી ગઈ છે.

જ્યારે બીજી તરફ, જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ વાર્ષિક ધોરણે ૧૧.૩૯ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે, જે ઓગસ્ટમાં ૯.૯૨ ટકા હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર પણ સપ્ટેમ્બરમાં વધીને ૮.૬૬ ટકા થઈ ગયો છે. પશ્ચિમ એશિયાના સંકટને કારણે ક્રૂડ ઓઈલ અને કાચો માલ મોંઘો થતા કંપનીઓની ઉત્પાદન પડતરમાં ૧૧.૩૮ ટકાનો વધારો થયો છે અને આર્થિક નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં મોંઘવારી હજુ વધુ વકરી શકે છે.

ખાવા-પીવાથી લઈને સફર સુધી બધું જ થયું મોંઘું!

ઇરાન સંકટ અને ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધીને ૫.૫૪ ટકા થઈ ગઈ છે, જે ૨૩ મહિનાનું સૌથી ઊંચું સ્તર છે. આ સાથે જ જથ્થાબંધ મોંઘવારીમાં પણ મોટો ઉછાળો નોંધાતા આવનારા દિવસોમાં મોંઘવારી વધુ વધવાની આશંકા છે.