રાજકોટમાં લોકશાહીનું પર્વ: 19.42 લાખ મતદારો માટે 2255 બૂથ સજ્જ, QR કોડ સ્કેન કરતા જ મળશે મતદાન મથકનું ગૂગલ લોકેશન
-
કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશનો એક્શન પ્લાન: 1009 મતદાન મથકો સંવેદનશીલ- અતિ સંવેદનશીલ; ગરમીથી બચવા ORS અને છાંયડાની વ્યવસ્થા
-
ડિજિટલ સુવિધા- બૂથ લોકેટર વેબસાઇટ લોન્ચ; એપિક નંબર નાખતા જ પરિવારની વિગતો અને સીરીયલ નંબર જાણી શકાશે
-
તાલુકા-જિલ્લા પંચાયત માટે પણ તંત્ર એલર્ટ- 595 ઉમેદવારો મેદાનમાં; EVM ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટરોની યાદી જાહેર
રાજકોટ: રાજકોટ જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના જંગ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે ચૂંટણીલક્ષી આંકડાકીય વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, સમગ્ર જિલ્લામાં કુલ ૧૯,૪૨,૫૨૭ મતદારો નોંધાયા છે. શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લામાં ૨૨૫૫ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જે પૈકી ૮૧૪ સંવેદનશીલ અને ૧૯૫ અતિ સંવેદનશીલ મથકો છે. ખાસ કરીને બોગસ વોટિંગ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકોને પોતાનું મતદાન મથક શોધવામાં સરળતા રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા બૂથ લોકેટર વેબસાઇટ અને વિશેષ ક્યુ.આર. (QR) કોડ લોન્ચ કરવામાં આવ્યા છે. https://rmc-election.jrtrivedi.in/ વેબસાઇટ દ્વારા મતદારો પોતાના મોબાઈલનું ગૂગલ લોકેશન ઓન રાખીને સીધા જ પોતાના બૂથ સુધી પહોંચી શકશે. સ્ટેટ ઇલેક્શન કમિશનના ક્યુઆર કોડ દ્વારા એપિક (EPIC) નંબર અથવા નામની એન્ટ્રી કરીને વોર્ડ નંબર અને સીરીયલ નંબર જાણી શકાશે, જેમાં ફેમિલી ડિટેલ્સ પણ ઉપલબ્ધ છે.
ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને ઓઆરએસ (ORS) કીટની સુવિધા ઉપલબ્ધ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં ૭૨ બેઠકો સામે ૨૩૬ ઉમેદવારો મેદાનમાં છે, જેમના માટે ૧૦૧૪ મતદાન મથકો પર ૮૯૪૮ નો પોલિંગ સ્ટાફ તહેનાત રહેશે. મનપા વિસ્તારમાં ૫૦૬ સંવેદનશીલ અને ૮ અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે.
તાલુકા અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો, જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પર ૧૦૯ અને તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો પર ૫૯૫ ઉમેદવારો હરીફ છે. તાલુકા પંચાયતમાં ચાર બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ગોંડલ નગરપાલિકામાં પણ ૨૦ બેઠકો બિનહરીફ થતા હવે માત્ર ૨૪ બેઠકો પર જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં આચારસંહિતા ભંગની કુલ ૯ ફરિયાદો નોંધાઈ છે, જેનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને મોકલી દેવામાં આવ્યો છે.
ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ (EVM) ડિસ્પેચિંગ, રિસિવિંગ અને મતગણતરી માટેના કેન્દ્રોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટ તાલુકા માટે સરકારી પોલિટેકનિક કોલેજ અને ગોંડલ માટે સેન્ટ મેરી સ્કૂલ તથા ભગવતસિંહજી કોલેજ ખાતે આ કામગીરી હાથ ધરાશે. ૨૬ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. કલેક્ટરે તમામ નાગરિકોને ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી ઉત્સાહભેર મતદાન કરવા અપીલ કરી છે.