સુરત મનપા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં મોટો ભવાડો: એક જ મતદારના 5-5 નામ, પાંચેયમાં અલગ ચૂંટણી કાર્ડ નંબર
-
વોર્ડ નંબર-22 માં તંત્રની ગંભીર બેદરકારી- 8 લાખ નામ નીકળી ગયા પણ એક જ વ્યક્તિના પાંચ કાર્ડ કેવી રીતે બન્યા?
-
5 વાર ફોર્મ ભર્યું અને 5 વાર નામ આવ્યું- BLO અને ચૂંટણી વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ; કોંગ્રેસે માંગી તપાસ
-
ભટાર-વેસુ-ડુમસ વિસ્તારમાં યાદીનો છબરડો સપાટી પર- ફાઈનલ લિસ્ટમાં પિતા અને માતાના નામ સાથે 5 એન્ટ્રીઓ
સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ગંભીર છબરડો બહાર આવ્યો છે. શહેરમાં એકબાજુ સઘન ચકાસણી બાદ આશરે 8 લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર-22 (ભટાર-વેસુ-ડુમસ) માં એક જ મતદારના પાંચ-પાંચ વાર નામ અને તે પણ અલગ-અલગ ચૂંટણી ઓળખકાર્ડ નંબર સાથે પ્રસિદ્ધ થતા ખળભળાટ મચી ગયો છે. આ ભૂલ માટે કોણ જવાબદાર છે તેની તપાસ અત્યારે ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, વોર્ડ નંબર 22 ના સુમનધારા સોસાયટીમાં રહેતા અશોક મંગલરામ ચૌધરીએ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે ગત નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ ત્રણ વાર ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ જાન્યુઆરીમાં યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ વેળાએ પણ તેમણે વધુ બે વાર ફોર્મ ભર્યા હતા. તેમને ડર હતો કે તેમનું નામ યાદીમાં આવશે નહીં, પરંતુ જ્યારે 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ ફાઈનલ યાદી પ્રસિદ્ધ થઈ ત્યારે તેઓ પોતે પણ ચોંકી ઉઠ્યા હતા. યાદીમાં તેમનું નામ એક નહીં પણ પાંચ વાર નોંધાયેલું હતું.
આ છબરડો માત્ર ડુપ્લીકેટ એન્ટ્રી પૂરતો સીમિત નથી, પરંતુ પાંચેય એન્ટ્રીમાં ચૂંટણી ઓળખકાર્ડ (EPIC) ના નંબર અલગ-અલગ છે. પાંચમાંથી ચાર એન્ટ્રીમાં પિતા તરીકે મંગલરામ ચૌધરીનું નામ છે, જ્યારે એક એન્ટ્રીમાં માતા કન્યા ચૌધરીનું નામ દર્શાવવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે પાંચેય એન્ટ્રીમાં ઉંમર અને સરનામું બિલકુલ સરખા છે. સિસ્ટમ દ્વારા સરખા સરનામા અને નામ પર ફિલ્ટર કેમ ન લાગ્યું તે એક મોટો પ્રશ્ન છે.
આ છબરડા અંગે માહિતી મળતા જ વિપક્ષ કોંગ્રેસે પણ તપાસની માંગ કરી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ભૂલ બૂથ લેવલ ઓફિસર (BLO) ની છે, જેણે ફિલ્ડ વેરિફિકેશન યોગ્ય રીતે કર્યું નથી? અથવા મ્યુનિસિપાલિટીમાં ડેટા એન્ટ્રી કરનાર ઓપરેટરે આ ભૂલ કરી છે? ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે અરજદારે પાંચ વાર ફોર્મ ભર્યા હોવા છતાં સિસ્ટમે ડુપ્લીકેશન પકડવું જોઈતું હતું. હવે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
ચૂંટણી પૂર્વે મતદાર યાદીની ચોકસાઈ પર ઉઠેલા આ સવાલોએ વહીવટી તંત્રને ભીંસમાં લીધું છે. જો એક જ વ્યક્તિના પાંચ કાર્ડ બની શકતા હોય, તો સુરતના અન્ય વોર્ડમાં પણ આવી કેટલી એન્ટ્રીઓ હશે તે અંગે શંકા કુશંકાઓ સેવાય રહી છે. આગામી દિવસોમાં આ પાંચેય એન્ટ્રીઓ રદ કરીને એક સાચી એન્ટ્રી રાખવાની પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉગ્ર બની છે.