અંબાલાલ પટેલની ડરામણી આગાહી: "છોતરાં કાઢી નાખશે એવી ગરમી પડશે," મતદાનના દિવસે પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા
-
26 એપ્રિલે કુદરત લેશે કસોટી- મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ; રાજકોટમાં પારો 42 ડિગ્રીએ પહોંચશે
-
મે મહિનાની શરૂઆતમાં તાપમાન 45 ડિગ્રી વટાવી શકે- બપોરે કામ વગર બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવા સલાહ
-
પોરે લૂ ફૂંકાવાની ભીતિ- ઉમેદવારોએ કાર્યકરોને આપ્યા આદેશ: "10 વાગ્યા પહેલા મતદારોને બૂથ સુધી પહોંચાડો"
અમદાવાદ: ગુજરાતમાં લોકશાહીના પર્વ સમાન મતદાનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કુદરત પણ પોતાની આકરી કસોટી લેવા તૈયાર હોય તેવું જણાઈ રહ્યું છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઈને એક અત્યંત મહત્વની અને ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી ૨૬ એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને વટાવી ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ આકરી ગરમીની સીધી અસર મતદાનની ટકાવારી પર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ અને અમદાવાદ જેવા શહેરોમાં ગરમીનો પારો આસમાને પહોંચશે. ઉત્તર ગુજરાતના પાટણ, હિંમતનગર અને અરવલ્લીમાં પણ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં પારો ૪૨ ડિગ્રી અને જૂનાગઢ-કચ્છમાં ૪૧ ડિગ્રી રહેવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ભલે ઓછું હોય, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે અકળામણ અને બફારો લોકોને ભારે પરેશાન કરશે.
આ આગાહીની સૌથી ગંભીર ચેતવણી ૨૮ એપ્રિલ પછીના સમયગાળા માટે છે. અંબાલાલ પટેલના મતે, એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં રાજ્યમાં 'હિટ સ્ટોર્મ' (Hit Storm) આવવાની પૂરી શક્યતા છે. વાતાવરણમાં ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ ગતિવિધિઓ વધવાને કારણે ગરમીનું મોજું અત્યંત તીવ્ર બની શકે છે, જેના કારણે મધ્ય ગુજરાતમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. નાગરિકોને બપોરના સમયે લૂ થી બચવા અને કામ વગર બહાર ન નીકળવા ખાસ સૂચના આપવામાં આવી છે.
આકરી ગરમીને જોતા રાજકીય પક્ષોએ પણ પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ઉમેદવારોને ડર છે કે બપોરના આકરા તાપને કારણે મતદારો બૂથ સુધી પહોંચવાનું ટાળી શકે છે. આથી, ભાજપ અને અન્ય પક્ષોના કાર્યકર્તાઓને એવી સૂચના અપાઈ છે કે તેઓ મતદારોને સવારે ૧૦ વાગ્યા પહેલા અથવા સાંજે ૫ વાગ્યા પછી મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. મતદાન મથકો પર મતદારો માટે છાંયડો, ઠંડુ પાણી અને ઓઆરએસ (ORS) જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર વહીવટી તંત્ર દ્વારા પણ ભાર મૂકવામાં આવ્યો છે.
હવામાનમાં આવનારા આ મોટા પલટા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ગાજવીજ સાથે હળવા વરસાદી છાંટાની પણ સંભાવના છે. જોકે, એકંદરે ગરમીનો પ્રકોપ જ વધુ જોવા મળશે. સૂર્યદેવના આ ક્રોધ સામે રક્ષણ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું અને હળવા સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. હવે જોવાનું એ રહેશે કે આ આકરી ગરમી વચ્ચે ગુજરાતની જનતા કેટલી ટકાવારીમાં મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે છે.