Loading Please Wait !!!
ગુજરાતમાં પ્રચારના પડઘમ શાંત: રવિવારે 393 સંસ્થાઓ માટે મહામતદાન, હવે શરૂ થશે ‘સામ-દામ-દંડ-ભેદ’ ની કતલની રાત

 

  • સાંજે 5 વાગ્યાથી માઈક-રેલીઓ બંધ; હવે મતદારોને રિઝવવા કાર્યકરોના ખભા પર જવાબદારીનો ભાર

  • કાળઝાળ ગરમી વચ્ચે કેસરિયા રેલીઓ અને શક્તિ પ્રદર્શન- ભાજપના ગઢમાં ગાબડાં પાડવા કોંગ્રેસ-આપની મથામણ

  •  ટીકીટ વિતરણની નારાજગી અને ડેમેજ કંટ્રોલ વચ્ચે પરસેવો પાડતા નેતાઓ; કાલે ઘરે-ઘરે જઈને થશે ગુપ્ત પ્રચાર

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે છેલ્લા ૧૩ દિવસથી ચાલતો જોરશોરથી પ્રચાર આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યે શાંત થઈ રહ્યો છે. રાજ્યની ૧૫ મહાપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૨૬૦ તાલુકા અને ૩૪ જિલ્લા પંચાયતો મળી કુલ ૩૯૩ સંસ્થાઓમાં સત્તાના સૂત્રો હાંસલ કરવા માટે રવિવારે મતદાન યોજાશે. જાહેર પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી મતદારોને આકર્ષવા રોડ-શો અને રેલીઓનો સહારો લીધો છે.

    આ વખતની ચૂંટણીમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે આકરા તાપ વચ્ચે પણ ઉમેદવારોએ મતદારોના ઉંબરા ખૂંદ્યા છે. ભાજપ દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ નેતાઓના નેતૃત્વમાં કેસરિયા રેલીઓ યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસ અને આપ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને સ્થાનિક પ્રશ્નોને આગળ ધરી શાસન વિરોધી મતો અંકે કરવા મથામણ કરવામાં આવી છે. પ્રચાર શાંત થયા બાદ હવે શનિવારની રાત એટલે કે ‘કતલની રાત’ દરમિયાન સામ-દામ-દંડ-ભેદની નીતિઓ તેજ બનશે.

    આ ચૂંટણીમાં પક્ષો માટે સૌથી મોટો પડકાર આંતરિક નારાજગી રહી છે. ભાજપે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને અગાઉ હોદ્દા ભોગવી ચૂકેલા અનેક ચહેરાઓને પડતા મૂકતા પક્ષમાં આંતરિક વિરોધના સૂર ઉઠ્યા હતા, જેને ઠારવા માટે હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. જ્યારે કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ થયેલા ફેરફારોથી પાયાના કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો છે. મતદારોનું મન કળવું અત્યારે મુશ્કેલ છે, કારણ કે જનતાએ હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, જેના કારણે ઉમેદવારોના જીવ અધ્ધર છે.

    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૪ કરોડ મતદારો માટે ૪૯,૫૯૧ મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને બૂથ પર શેડ અને પીવાના પાણીના દાવા કરાયા છે, પરંતુ રવિવારે સૂર્યનારાયણનો પ્રકોપ મતદાનની ટકાવારી ઘટાડી શકે છે તેવો ડર પક્ષોને સતાવી રહ્યો છે. આથી જ હવે તમામ ભાર કાર્યકરો પર છે, જેમણે મતદારોને ઘરની બહાર કાઢી બૂથ સુધી લાવવાના રહેશે. રવિવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી લોકશાહીનું આ મહાપર્વ ઉજવાશે અને દસ હજાર જેટલી બેઠકોનું ભાગ્ય EVM માં કેદ થશે.