બ્રાઝિલમાં કાળ બનીને ત્રાટક્યું વિમાન: રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા 3 ના કરુણ મોત
- બ્રેલો હોરિઝોન્ટોમાં 9/11 જેવી દહેશત, પૂરપાટ ઝડપે વિમાન સીડીના ભાગમાં ઘૂસી ગયું
- પાયલોટ અને કો-પાયલોટનું ઘટનાસ્થળે જ મોત, પાર્કિંગમાં ખાબકેલા વિમાનના લીધે મચી નાસભાગ
- સદનસીબે બિલ્ડિંગના રહીશો બચ્યા, પરંતુ વિમાનમાં સવાર 3 લોકોએ જીવ ગુમાવ્યા
બ્રેલો હોરિઝોન્ટો | સિટી ન્યૂઝ : બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એક નાનું ટ્વિન-એન્જિન વિમાન (Embraer EMB-721C) ટેક-ઓફની ગણતરીની મિનિટોમાં જ કંટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાયું હતું. આ ભયાનક ટક્કરમાં પાયલોટ અને કો-પાયલોટ સહિત કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાના દ્રશ્યો એટલા ભયાનક હતા કે સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ રહેલા લોકોને અમેરિકાના 9/11 ના આતંકી હુમલાની યાદ આવી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિમાન પામ્પુલ્હા એરપોર્ટ પરથી સાઓ પાઉલો જવા માટે રવાના થયું હતું. ટેક-ઓફ બાદ તરત જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તે ધીમે-ધીમે નીચે આવવા લાગ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાયલોટે ઊંચી બિલ્ડિંગથી બચવા માટે વિમાનને ડાબી તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે તે બિલ્ડિંગના સીડીવાળા ભાગ (સ્ટેયરવેલ) સાથે ટકરાઈને નીચે પાર્કિંગ એરિયામાં ખાબક્યું હતું. વિમાન ટકરાતાની સાથે જ જોરદાર ધડાકો થયો હતો અને સમગ્ર વિસ્તાર ધુમાડાના ગોટાથી ઘેરાઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં પાયલોટ અને કો-પાયલોટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. વિમાનમાં સવાર અન્ય 3 મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક મુસાફરનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, વિમાન બિલ્ડિંગના સીડીવાળા ભાગ સાથે ટકરાયું હોવાથી ફ્લેટની અંદર રહેલા કોઈ પણ રહીશને ઈજા પહોંચી નથી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો વિમાન સીધું રહેણાંક એપાર્ટમેન્ટના મધ્ય ભાગમાં ટકરાયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને બિલ્ડિંગને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી. બ્રાઝિલની એરોનોટિકલ અકસ્માત તપાસ અને નિવારણ કેન્દ્ર (CENIPA) દ્વારા આ અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલમાં છેલ્લા કેટલાક સમયથી નાના વિમાનોની દુર્ઘટનાના કિસ્સાઓ વધી રહ્યા છે, જે ઉડ્ડયન સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.