યુપીમાં હાહાકાર : બેકાબુ કારે 8 લોકોને કચડી નાંખ્યા
સિટી ન્યૂઝ@ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે એકઠા થયેલા સ્થાનિક લોકો પર એક બેકાબૂ કાર ફરી વળતા 2 સગા ભાઈઓ સહિત કુલ 8 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટના બાદ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે.
જિલ્લા મુખ્યાલયથી 17 કિમી દૂર જલાલપુર કોતવાલી વિસ્તારમાં અકબરપુર માર્ગ પર અશરફપુર ભુવા ભઠ્ઠા પાસે મોડી રાત્રે લગભગ 12 વાગ્યે બે મોટરસાયકલ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં બુલેટ સવાર કૈફી (ઉ.વ. 32) અને સ્પ્લેન્ડર પર જઈ રહેલા 2 સગા ભાઈઓ આદિત્ય (ઉ.વ. 25) તથા દિવ્યાંશુ (ઉ.વ. 14) ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને ભાઈઓ જલાલપુરમાં એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.અકસ્માત સર્જાતા અને ચીસાચીસ થતા આસપાસ હાજર 5 લોકો તેમની મદદ માટે દોડી આવ્યા હતા. તેઓ ઘાયલોને ઉઠાવીને રસ્તાની બાજુમાં લઈ જઈ રહ્યા હતા, બરાબર તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલી એક સ્વિફ્ટ ડિઝાયર કાર બેકાબૂ બની હતી અને ઘાયલો સહિત મદદ કરી રહેલા લોકોને કચડતી આગળ જઈને એક ખાડામાં પલટી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસે સ્થાનિકોની મદદથી તમામ ઘાયલોને સીએચસી જલાલપુર પહોંચાડ્યા હતા, જ્યાં ડોકટરોએ 6 લોકોને મૃત જાહેર કર્યા હતા. અન્ય 2 ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને બાદમાં ટાંડા મેડિકલ કોલેજ રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.આ દુર્ઘટનામાં બાઈક સવારો અને મદદ કરવા આવેલા લાલચંદ્ર (ઉ.વ. 24), ઉત્તમ કુમાર (ઉ.વ. 24), રાજુ ગુપ્તા (ઉ.વ. 32), સાહિલ (ઉ.વ. 28) અને ઇન્દ્રેશ (ઉ.વ. 30) નો ભોગ લેવાયો છે. અપર પોલીસ અધિક્ષક ડો. તેજવીર સિંહે જણાવ્યું હતું કે તમામ 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ફરાર કાર ચાલકને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.