Loading Please Wait !!!
2026ની ચૂંટણીનું અસલી ચિત્ર: ભાજપને સત્તા મળી પણ કોંગ્રેસ બની 'સ્ટ્રેટેજિક વિનર'

  • કેરળમાં 10 વર્ષ પછી પંજો ગરજ્યો, દક્ષિણ ભારતમાં કોંગ્રેસની 'વિજયી હેટ્રિક' પૂર્ણ
  • આસામમાં અજમલની રાજનીતિનો અંત, હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાશે સીધો જંગ
  • મમતાના ગઢમાં ભલે ભાજપ ફાવ્યું, પણ બંગાળમાં કોંગ્રેસના વોટ શેરમાં સુધારો ભવિષ્યના સંકેત

નવી દિલ્હી | સિટી ન્યૂઝ : તાજેતરમાં જાહેર થયેલા પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ ભારતીય રાજનીતિમાં નવા સમીકરણો સર્જ્યા છે. જો સપાટી પર જોવામાં આવે તો આસામમાં સત્તાની હેટ્રિક અને પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર સરકાર બનાવીને ભાજપ વિજેતા દેખાઈ રહ્યો છે. પરંતુ, રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીના સૌથી મોટા 'વ્યૂહાત્મક વિજેતા' (Strategic Gainer) તરીકે કોંગ્રેસને જોઈ રહ્યા છે. કોંગ્રેસે ભલે તમામ રાજ્યોમાં સત્તા ન મેળવી હોય, પરંતુ પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવામાં પક્ષ સફળ રહ્યો છે, જે 2029ની લોકસભા ચૂંટણી માટે મહત્વના સંકેત આપે છે.

દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો દબદબો કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ (UDF) ગઠબંધને ડાબેરીઓના ગઢમાં ગાબડું પાડીને 10 વર્ષ પછી સત્તામાં શાનદાર વાપસી કરી છે. કર્ણાટક અને તેલંગાણા બાદ હવે કેરળમાં પણ સરકાર બનતા દક્ષિણ ભારત કોંગ્રેસ માટે સુરક્ષિત ગઢ બની ગયું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના 'વાયનાડ પ્રભાવ'ને કારણે અહીં કોંગ્રેસ એક અજેય શક્તિ તરીકે ઉભરી રહી છે.

બંગાળ અને આસામમાં બદલાતા સમીકરણો પશ્ચિમ બંગાળમાં 2021માં શૂન્ય બેઠક મેળવનાર કોંગ્રેસ આ વખતે 2 બેઠકો અને 3% વોટ શેર સાથે ફરી બેઠી થઈ છે. ટીએમસીના પતન બાદ ખાલી પડેલી વિપક્ષની જગ્યામાં કોંગ્રેસ મજબૂત વિકલ્પ બની રહી છે. બીજી તરફ આસામમાં ભાજપ ભલે જીત્યું હોય, પણ કોંગ્રેસે બદરૂદ્દીન અજમલની AIUDF ના સૂપડા સાફ કરીને લઘુમતી મતો પર ફરી કબજો જમાવ્યો છે. હવે આસામમાં લડાઈ 'બાઈપોલર' (ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ) બની ગઈ છે, જે ભવિષ્યમાં ભાજપ માટે પડકારરૂપ સાબિત થશે.

રાષ્ટ્રીય સ્તરે વધતું કદ આ પરિણામો બાદ 'INDIA' ગઠબંધનમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બની છે. મમતા બેનરજી અને બદરૂદ્દીન અજમલ જેવા પ્રાદેશિક નેતાઓ નબળા પડતા હવે વિપક્ષની રાજનીતિ કોંગ્રેસની શરતો પર ચાલશે. રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા 2.0' ની અસર પણ પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. આમ, 2026ની આ ચૂંટણીઓએ ભાજપને સત્તા આપી છે, પરંતુ કોંગ્રેસને ભવિષ્ય માટે નવી 'સંજીવની' પૂરી પાડી છે.