Loading Please Wait !!!
રાઘવ ચઢ્ઢાની ચેતવણી : 21 રાજ્યોની પોલીસ અમારી સાથે

  • પંજાબમાં `ખેલ'; ધારાસભ્યો દિલ્હીમાં
  • મુખ્યમંત્રી ભગવંત માન 94 ધારાસભ્યોને લઈ રાષ્ટ્રપતિને મળવા દિલ્હી પહોંચ્યા

સિટી ન્યૂઝ@નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટી (AAP) ના તમામ 94 ધારાસભ્યો સાથે 3 વોલ્વો બસોમાં દિલ્હી પહોંચ્યા છે. તેઓ બપોરે 12:30 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભવનની અંદર માત્ર મુખ્યમંત્રી જશે, જ્યારે ધારાસભ્યો બહાર હાજર રહેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પાર્ટીના 6 રાજ્યસભા સાંસદોના AAP છોડીને BJP માં જોડાવા અંગે ફરિયાદ કરી 'રાઇટ ટુ રિકોલ' કાયદાની માંગ કરવાનો છે.
બીજી તરફ, AAP છોડી ગયેલા રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકના નેતૃત્વમાં બળવાખોર સાંસદોએ પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. રાઘવ ચઢ્ઢાએ પંજાબ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, BJP માં જોડાયા બાદ AAP બદલાની ભાવનાથી કામ કરી રહી છે અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે. સાંસદ સંદીપ પાઠકે પણ FIR થી ન ડરવાની વાત કરી હતી. દરમિયાન પંજાબ BJP પ્રમુખ સુનીલ જાખરે કટાક્ષ કર્યો હતો કે CM એ ધ્યાન રાખવું જોઈએ કે ધારાસભ્યોની બસ BJP કાર્યાલય તરફ ન વળી જાય.
ચંદીગઢથી રવાના થતા પહેલા ભગવંત માને રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત અંગે જણાવ્યું હતું કે, માત્ર 5-7 લોકો ભેગા થઈને પાર્ટીમાં ભાગલા પડ્યા હોવાનો દાવો ન કરી શકે, આ સંપૂર્ણ ગેરબંધારણીય છે. તેમણે આરોપ લગાવ્યો કે BJP પહેલા ED ના દરોડા પડાવે છે અને 10 દિવસ પછી તે જ વ્યક્તિને Y સુરક્ષા આપે છે. કાયદો દેશના તમામ નાગરિકો માટે સમાન છે અને પક્ષ બદલવાથી કોઈ કાયદાથી ઉપર નથી બની જતું.

પંજાબ કોઈ ટ્રક નથી, ધમકીઓથી ડરશે નહીં: ભગવંત માન
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે પંજાબ કોઈ ટ્રક નથી કે જેને ચલાવવાનો વારો બીજા કોઈનો આવે. દેશે જ્યારે પણ સંકટનો સામનો કર્યો છે ત્યારે પંજાબ હંમેશા પડખે ઉભું રહ્યું છે. આજે BJP ને રોકવાની જવાબદારી પણ પંજાબ પર છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ક્યારેક BBMB, ક્યારેક ચંદીગઢ પર અધિકાર તો ક્યારેક RDF ફંડ રોકીને પંજાબને હેરાન કરવામાં આવે છે, પરંતુ પંજાબ આવી ધમકીઓથી ડરશે નહીં.