Loading Please Wait !!!
ન્યાયતંત્રનો ઐતિહાસિક હથોડો: મુંબઈ હાઈકોર્ટે માનહાનિના કેસની સુનાવણી સીધી 20 વર્ષ પછી, એટલે કે 2046 પર ઠેલી

 

  • જસ્ટિસ જિતેન્દ્ર જૈને પક્ષકારોના ‘અહમ’ ને પાઠ ભણાવ્યો- ₹20 કરોડના દાવામાં માફી ન સ્વીકારનાર વૃદ્ધાની જીદ સામે કોર્ટ લાલઘૂમ

  •  હાઉસિંગ સોસાયટી વિવાદમાં 90 વર્ષના વૃદ્ધાએ સમાધાનનો કર્યો ઈનકાર- હવે 2046 માં જ થશે સુનાવણી; ન્યાયિક ઈતિહાસનો અસાધારણ આદેશ

  •  સોસાયટી માફી માંગવા તૈયાર છતાં વૃદ્ધા જીદ પર અડગ- કોર્ટે કહ્યું, "આવા નજીવા વિવાદોથી ગંભીર કેસો પર ધ્યાન આપી શકાતું નથી"

    મુંબઈ: મુંબઈ હાઇકોર્ટના ઇતિહાસમાં ન્યાયતંત્રને પણ ચોંકાવી દે તેવો એક અસાધારણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દક્ષિણ મુંબઈની એક પ્રીમિયમ હાઉસિંગ સોસાયટીના મેનેજિંગ કમિટી સભ્યો સામે 90 વર્ષના એક વૃદ્ધા અને તેમની પુત્રીએ ₹20 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન પક્ષકારો વચ્ચેની અહમની લડાઈ અને સમાધાન પ્રત્યેની તેમની ઉદાસીનતા જોઈને જસ્ટિસ જિતેન્દ્ર જૈને અત્યંત આકરો નિર્ણય લીધો છે. તેમણે આ કેસની આગામી સુનાવણી સીધી 20 વર્ષ પછી, એટલે કે વર્ષ 2046 પર ઠેલી દીધી છે. ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, આ મામલાને હવે આગામી બે દાયકા સુધી કોર્ટના બોર્ડ પર લેવો જોઈએ નહીં.

    આ વિવાદના મૂળ દસ વર્ષ જૂના છે, જ્યારે હાઉસિંગ સોસાયટી દ્વારા મકાનના રિપેરિંગ અને મેન્ટેનન્સ ફંડ બાબતે વૃદ્ધાએ વાંધો ઉઠાવ્યો હતો. તેના વળતા જવાબમાં સોસાયટીની મીટિંગની મિનિટ્સમાં તેમને 'ડિફોલ્ટર' (બાકીદાર) તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પોતાની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનું માનીને વૃદ્ધાએ ₹20 કરોડના વળતરનો દાવો કર્યો હતો. હાઇકોર્ટે આ મામલે મધ્યસ્થી કરવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો અને સોસાયટીના સભ્યો કોઈપણ શરત વગર માફી માંગવા પણ તૈયાર હતા. તેમ છતાં, વૃદ્ધાએ માફી સ્વીકારવાને બદલે કેસ ખેંચવાની જીદ પકડી રાખી હતી.

    જસ્ટિસ જિતેન્દ્ર જૈને માત્ર એક પાનાના આદેશમાં ન્યાયિક વ્યવસ્થાની મર્યાદાઓ પર ગંભીર પ્રકાશ પાડ્યો છે. તેમણે નોંધ્યું કે, પક્ષકારો પોતાના જીવનના છેલ્લા પડાવ પર હોવા છતાં એકબીજાને નમતું આપવા કે જતું કરવા તૈયાર નથી. આ માત્ર એક 'ઈગો ફાઈટ' (અહમની લડાઈ) છે, જે આખી ન્યાયિક વ્યવસ્થા પર બિનજરૂરી બોજ વધારે છે. કોર્ટે અફસોસ વ્યક્ત કર્યો કે આવા નજીવા વિવાદોને લીધે ન્યાયતંત્ર એવા હજારો ગંભીર કેસો પર ધ્યાન આપી શકતું નથી જે ખરેખર ન્યાય મેળવવા માટે પ્રાથમિકતાના હકદાર છે.

    આ અગાઉ માર્ચ 2025 માં પણ જ્યારે કોઈ પક્ષ હાજર રહ્યો ન હતો, ત્યારે અન્ય એક જજે પણ આ કેસ રદ કરવાની ચીમકી આપી હતી. છતાં પક્ષકારોના વલણમાં કોઈ સુધારો આવ્યો નહોતો. જસ્ટિસ જૈને આદેશમાં વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, "કોઈપણ સંજોગોમાં આ કેસને એવી દલીલ પર પ્રાથમિકતા આપવી નહીં કે અરજદારો સિનિયર સિટીઝન કે સુપર સિનિયર સિટીઝન છે." ન્યાયતંત્રનો સમય અમૂલ્ય છે અને તેને પક્ષકારોની હઠ પૂરી કરવા માટે વેડફી શકાય નહીં તેવો મજબૂત સંદેશ આ આદેશ દ્વારા આપવામાં આવ્યો છે.

    આ નિર્ણયથી કાનૂની જગતમાં પણ ભારે ચર્ચા જાગી છે. કાયદાના નિષ્ણાતો માની રહ્યા છે કે, આવા કડક આદેશોથી એવા અરજદારોને ચોક્કસપણે બોધપાઠ મળશે જેઓ નાની બાબતોમાં અહમને કારણે કોર્ટમાં વર્ષો સુધી કેસ ચલાવતા રહે છે. હવે આ કેસ વર્ષ 2046 માં જ્યારે ફરીથી લિસ્ટ થશે, ત્યારે પરિસ્થિતિ શું હશે તે જોવાનું રહેશે. હાલ તો કોર્ટે ન્યાયિક સમયનો બગાડ રોકવા માટે એક અસાધારણ અને સખત દાખલો બેસાડ્યો છે.