અમદાવાદમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ: ખાનપુરમાં કેસરીયો મિજાજ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "વિકાસની રાજનીતિ પર જનતાએ મહોર લગાવી"
-
15 મહાનગરપાલિકાઓમાં કમળ ખીલતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ- વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને બૂથ મેનેજમેન્ટની થઈ જીત
-
સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનો ઐતિહાસિક વિજય- 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં ભગવો લહેરાતા પ્રદેશ પ્રમુખે કાર્યકરોને વધાવ્યા
-
ખાનપુરના જે.પી. ચોક ખાતે વિજયાદશમી જેવો માહોલ- કુદરતી આફત હોય કે કોરોના, જનતા વચ્ચે રહેનારા કાર્યકરોની આ જીત છે
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા ઐતિહાસિક પર્ફોર્મન્સને વધાવવા માટે અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે ભવ્ય વિજયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. રાજ્યની તમામ ૧૫ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લા પંચાયતો અને ૭૬ નગરપાલિકાઓમાં ભાજપનો વિજયધ્વજ લહેરાતા ભાજપના ગઢ ગણાતા ખાનપુરમાં વિજયાદશમી જેવો માહોલ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિજયને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસની સકારાત્મક રાજનીતિનો વિજય ગણાવ્યો હતો. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, "આ જીત માત્ર આંકડાઓની નથી, પરંતુ જનતાના અડગ વિશ્વાસની છે. સૌના સાથ અને સૌના પ્રયાસના મંત્રને ગુજરાતના મતદાતાઓએ ફરી એકવાર સ્વીકાર્યો છે." મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ વિજય સાથે પક્ષની જવાબદારી વધી છે અને હવે છેવાડાના માનવીના હિતોને કેન્દ્રમાં રાખી પારદર્શિતાથી સેવાકાર્યને વેગ આપવામાં આવશે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતા વચ્ચે દેખાય છે તેમને ગુજરાતના નાગરિકોએ સખત પાઠ ભણાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ આવા તત્વોનો ગુજરાતમાંથી સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમણે ‘બૂથ જીત્યા તો ચૂંટણી જીતી’ના મંત્રને સાર્થક કરનારા પેજ સમિતિના કાર્યકરો અને પાયાના સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના ૩૬૫ દિવસના સેવાકાર્યો અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સચોટ માર્ગદર્શનને આ જીતનું મુખ્ય પાસું ગણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા અપપ્રચાર અને ષડયંત્રોને જનતાએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ અને ગુજરાતના નાગરિકો વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો અને અતૂટ છે. કુદરતી આફત હોય કે કોરોના, ભાજપનો કાર્યકર હંમેશા લોકોની વહારે રહ્યો છે અને તેના જ પરિણામે આજે રાજ્યના દરેક ખૂણે કેસરિયો લહેરાયો છે. તેમણે આ જીતને ગુજરાતના દરેક નાનામાં નાના કાર્યકર અને નાગરિકની જીત ગણાવી હતી.
આ વિજયોત્સવમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સાહ આગામી દિવસોમાં ગુજરાતના રાજકીય સમીકરણોમાં ભાજપની પકડ વધુ મજબૂત બનાવશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.